વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024માં ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો
Live TV
-
વર્ષ 2023માં 4.7 ટકા સીરો પોઝિટિવિટી રેટની સામે વર્ષ 2024માં પોઝિટીવિટી દર 3.5 ટકા રહ્યો
હાઉસ ટુ હાઉસ ફીવર સર્વે, એન્ટીલાર્વલ એક્ટીવીટીઝ જેવી કામગીરીને ઝુંબેશ રૂપે લઇ ત્રણ રાઉન્ડ એપ્રિલ, મે અને સપ્ટેમ્બર માસ દરમ્યાન રાજ્યની અનુક્રમે 86%, 89% અને 92% વસ્તીને આવરી લેવાઇ
રાજ્યના 1139 સ્પેશ્યાલીસ્ટને “ક્લીનીકલ મેનેજમેન્ટ ઓફ ડેન્ગ્યુ” અંગેની તાલીમ અપાઇ
ચોમાસાની ઋતુ દરમ્યાન સંવેદનશીલ વિસ્તારોમાં 2460 માણસોની 492 વેક્ટર કંટ્રોલ ટીમે રોગ સર્વેક્ષણ અને પોરાનાશક સઘન કામગીરી હાથ ધરી
ચોમાસા અને શિયાળાની ઋતુ દરમિયાન ઋતુજન્ય અને પાણીજન્ય વિવિધ રોગોનું પ્રમાણ જોવા મળતું હોય છે. તેમાં પણ ડેન્ગ્યુના કેસ પણ મહદઅંશે સમગ્ર રાજ્યમાં જોવા મળે છે.
રાજ્ય સરકારે આ વર્ષ પ્રો-એક્ટિવ અભિગમ દાખવીને ચોમાસાની ઋતુ પૂર્ણ થતા જ તકેદારીના પગલે સિરમ સેમ્પલ ટેસ્ટીંગમાં મોટી સંખ્યામાં વધારો કર્યો.
જનજાગૃતિ અને સઘન સારવારના પરિણામે આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં સકારાત્મક પરિણામ પણ જોવા મળ્યાં.
વર્ષ 2023માં 1,49,844 સીરમ સેમ્પલ ડેન્ગ્યુના નિદાન માટે લેવામાં આવેલા હતા તે પૈકી 7, 088 ડેન્ગ્યુના પોઝિટિવ કેસો માલુમ પડ્યા હતા . એટલે કે સીરો પોઝિટીવિટી દર 4.7 % રહ્યો હતો.
જ્યારે વર્ષ 2024 દરમિયાન 2,21,358 સેમ્પલ ડેન્ગ્યુના નિદાન માટે લેવામાં આવ્યા. તે પૈકી 7,820 ડેન્ગ્યુના કેસો પોઝિટિવ માલૂમ પડ્યા. જે દર્શાવે છે કે વર્ષ 2024માં ડેન્ગ્યુનો પોઝિટીવિટી દર 3.5% રહ્યો.
આ વર્ષે ડેન્ગ્યુના ત્વરિત નિદાન માટે ડેન્ગ્યુ NS1 પ્રકારની 1700 કીટ એટલે કે 1,63,200 ટેસ્ટ રાજ્ય સરકાર દ્વારા ખરીદ કરી નિદાન કેન્દ્રોને પુરી પાડવામાં આવી. તદ્દ ઉપરાંત ભારત સરકાર તરફથી પ્રાપ્ત 611 ડેન્ગ્યુ IGM કીટ (58656 ટેસ્ટ) નિદાન કેન્દ્રોને ફાળવવામાં આવી હતી.
રાજ્યના તમામ જીલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારમાં અઠવાડીક પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવે છે. હાઉસ ટુ હાઉસ ફીવર સર્વે, એન્ટીલાર્વલ એક્ટીવીટીઝ તથા પ્રચાર પ્રસારની કામગીરીના ત્રણ રાઉન્ડ એપ્રિલ, મે અને સપ્ટેમ્બર માસ દરમ્યાન ઝુંબેશ રૂપે હાથ ધરી રાજ્યની અનુક્રમે 86%, 89% અને 92% વસ્તીને આ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલા છે.
ચોમાસાની ઋતુ દરમ્યાન સંવેદનશીલ વિસ્તારોમાં 2460 માણસોની 492 વેક્ટર કંટ્રોલ ટીમે રોગ સર્વેક્ષણ અને પોરાનાશક સઘન કામગીરી હાથ ધરાઇ હતી.
રાજ્યમાં 47થી 51માં અઠવાડીયા દરમ્યાન ડેન્ગ્યુ કેસમાં સતત ઘટાડો નોંધાયેલ છે તથા 50 અને 51મા અઠવાડીયા દરમ્યાન વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024માં ડેન્ગ્યુ કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.રાજ્યના 1139 સ્પેશ્યાલીસ્ટને “ક્લીનીકલ મેનેજમેન્ટ ઓફ ડેન્ગ્યુ” અંગેની તાલીમ આપવામાં આવી છે.
ડેન્ગ્યુ માટે રાજ્યમાં કયા પ્રકારનો વાયરસ સંક્રમિત છે, તે જાણવા માટે સીરમ સેમ્પલ તથા મોસ્કીટો બી. જે. મેડિકલ કોલેજ તથા GBRC ગાંધીનગર ખાતે મોકલી સીરોટાઈપ નક્કી કરવામાં આવે છે. અને તેના પરિણામો પ્રમાણે રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરીનું આયોજન અને અમલીકરણ કરવામાં આવેલા છે.
રોગના નિયંત્રણ માટે જરૂરી તમામ લાર્વીસાઈડ, એડલ્ટીસાઈડ વગેરે પૂરતા પ્રમાણમાં સમયસર તમામ કક્ષાએ ઉપલબ્ધ કરાવેલા છે.