વર્ષ 2030ના ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવા પ્રવાસન એક અસરકારક સાધન: જી. કિશન રેડ્ડી
Live TV
-
ભારતની અધ્યક્ષતામાં યોજાનારી જી -20 ની બેઠકો અંતર્ગત પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠક ગુજરાતના ધોરડો ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસન મંત્રી, જી. કિશન રેડ્ડી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શરૂ થઈ છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારત વિશાળ સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતા, વિશ્વ કક્ષાના પ્રવાસી આકર્ષણો અને ઇકો ટુરિઝમ, ગ્રીન અને એગ્રી ટુરીઝમનો અનોખા પ્રવાસનો અનુભવ વિશ્વભરના પ્રવાસીઓને પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે, કોવિડ -19 થી ગંભીર રીતે પ્રભાવિત પ્રવાસન ઉદ્યોગ દેશમાં પુનઃ શરૂ થઈ રહ્યો છે. કેન્દ્રીય પર્યટનમંત્રી જી કિશન રેડ્ડીએ, વર્ષ 2030 ના ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવા માટે પ્રવાસનને એક અસરકારક સાધન ગણાવ્યું હતું.
કેન્દ્રીય પર્યટન મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં પ્રવાસીઓના આગમનમાં ચાર ગણો વધારો એ પ્રવાસન ક્ષેત્રે વૃદ્ધિ હાંસલ કરવાના ભારતના પ્રયાસોની સફળતા દર્શાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નવી પ્રવાસન નીતિ, રાજ્યમાં પર્યાવરણની સમૃદ્ધિ સાથે પ્રવાસન વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે કહ્યું કે આ વર્ષના અમૃત બજેટમાં દેશની પ્રવાસન ક્ષમતાના વિકાસ માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ ભૂકંપ બાદ કચ્છના વાઇબ્રન્ટ ટુરિસ્ટ પ્લેસમાં પરિવર્તનની સફર પણ શૅર કરી હતી. આ બેઠકમાં જી-20 દેશો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના, સો કરતાં વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં પ્રતિનિધિઓ દ્વારા ગ્રીન ટુરીઝમને પ્રોત્સાહન આપવા ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરવા અને કૌશલ્ય સાથે યુવાનોને સશક્તિકરણ જેવા પાંચ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે. જી-20 ના ભાગરૂપે ગુજરાતમાં યોજાઈ રહેલી 15 બેઠકોમાંથી આ બીજી બેઠક છે.