Skip to main content
Settings Settings for Dark

વલસાડને હરિયાળુ બનાવવા માટે રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ગ્રીન પ્રોજેક્ટનો શુભારંભ

Live TV

X
  • ચાલુ વર્ષે ઉનાળામાં પડેલી અસહ્ય ગરમી સામે વધુમાં વધુ વૃક્ષો રોપી તેનો ઉછેર કરવામાં આવે એવા શુભ આશય સાથે વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા ‘‘ગ્રીન વલસાડ’’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 4000 વૃક્ષો રોપવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે, સમગ્ર વલસાડ માટે ઉપયોગી એવા આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ‘‘હું વલસાડ છુ’’ ભવ્ય નાટિકા નવરંગ ગૃપ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જે નાટિકાએ ઉપસ્થિત તમામ લોકોને વૃક્ષના મહત્વ અંગે વિચારતા કરી દીધા હતા.

    આ પ્રંસગે રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ સોલાર પોલિસી દાખલ કરી હતી. સોલાર એ ઉર્જા ઉત્પન્ન કરવાનું મુખ્ય સાધન છે. આ સિવાય ક્લાઈમેટ ચેન્જને કંટ્રોલ કરવા માટે એક અલગ વિભાગ ઉભો કર્યો છે. વર્ષ 2030 સુધીમાં ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં 50 ટકા ઘટાડો કરવાનો છે. સોલાર અને પવન ઉર્જામાં ગુજરાત 2000 મેગા વોટ સાથે દેશમાં પ્રથમ નંબરે છે. વૃક્ષોને કારણે જ આપણા જિલ્લામાં વધુ વરસાદ પડે છે. ઔદ્યોગિક એકમોમાં ખાસ કરીને વાપી જીઆઇડીસીમાં સૌથી વધુ વૃક્ષારોપણ થયું છે. ઉમિયા સોશિયલ ટ્રસ્ટ 4000 વૃક્ષ રોપી રહ્યું છે તેમાં દર વર્ષે વધારો થતો રહેશે એવી આશા રાખુ છું.

    ભારત સરકારના ખાદી કમિશનના ડિરેક્ટર લલિતગુગલિયાએ જણાવ્યું કે, ઉમિયા સોશિયલ ટ્રસ્ટ એ સેવાનું મંદિર છે તેમની સેવા બિરદાવવા લાયક છે. કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલમાં 237 મૃતદેહ ઉઠાવવા કોઈ તૈયાર ન હતું. તે સમયે ઉમિયા સોશિયલ ટ્રસ્ટે કામગીરી ઉપાડી માનવતાની મહેક પ્રસરાવી હતી. દુનિયાના અનેક દેશોની સફર કરી ત્યારે જ્યાં પણ ગયો ત્યાં ખાદીને આવકાર મળ્યો છે. હાલ 112 દેશોમાં ખાદી ઇન્ડિયાનો લોગો રજીસ્ટર કરવાની પ્રોસેસ ચાલુ છે. 56 દેશોમાં ખાદીનો લોગો રજીસ્ટર થઈ ચૂક્યો છે.

    પ્રધાનમંત્રીએ ‘‘મન કી બાત’’ માં જણાવ્યું કે, દેશમાં ખાદીએ રૂ.1 લાખ ૫૨ હજાર કરોડનું ટર્ન ઓવર કર્યુ છે જે આવનારા પાંચ વર્ષમાં 2 લાખ 25 હજાર કરોડ ટર્ન ઓવર કરી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરશે. વલસાડના નવરંગ ગૃપના ડિરેકટર શૈલેષ જૈને જણાવ્યું કે, ગ્રીન વલસાડનું સપનું ઉમિયા સોશિયલ ટ્રસ્ટના અશોકભાઈએ જોયું છે, આ પ્રોજેક્ટ આપણા બધાના ઉજ્જવળ ભવિષ્ય માટે છે. આપણે બધા સંકલ્પ લઈશુ તો ભાવિ પેઢી માટે આ ક્રાંતિ રંગ લાવશે.

    રાજસ્થાનમાં પાણીની તંગીની જે સ્થિતિ છે તેવી હાલત આપણા વલસાડમાં ન થાય તે માટે અત્યારથી જ જાગૃત થવું પડશે. તિથલ સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી વિવેકસ્વરૂપદાસજીએ આશીર્વચન આપતા જણાવ્યું કે, વૃક્ષ વાવવા એ શુભ કાર્ય છે પણ એનું સંરક્ષણ કરવું નક્કર કાર્ય છે. જે આપણી ભાવિ પેઢીને ઉપયોગી થશે. બીજાના માટે જીવવું એ સાચું જીવન છે. એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે વૃક્ષોની કામગીરી થતી હોય તો આપણા વલસાડ જિલ્લામાં થાય છે. વૃક્ષોનો ફેમીલી મેમ્બર તરીકે ઉછેર કરવા અપીલ કરી હતી.

    ‘‘હું વલસાડ છું’’ નાટિકા દ્વારા વૃક્ષોના નિકંદનથી શું ખરાબ હાલત થાય તે અંગે હવા, પાણી, ગૌમાતા, કલરવ કરતા પક્ષીઓ,ખેડૂતો અને વૃક્ષોની દારૂણ સ્થિતિ વિવિધ પાત્રો દ્વારા નાટ્યાત્મક રૂપે રજૂ કરાઇ હતી. જેને ઉપસ્થિત સૌ એ વધાવી લઈ સૌ એ દિપ પ્રગટાવી વૃક્ષ ઉછેરના સંકલ્પ લીધા હતા. સિકલસેલમાં સંશોધન અને બ્લડ બેંકના પ્રણેતા ડો.યઝદી ઇટાલિયાનું પદ્મશ્રી એવોર્ડ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. ૩ વર્ષ સુધી 1400 વૃક્ષના ઉછેરની જવાબદારી લેનાર દિપેશ ભાનુશાલી અને કિશોર ભાનુશાલી તેમજ 1000 વૃક્ષોની જવાબદારી લેનાર વિશ્વાસ શેઠ સહિત 100 વૃક્ષથી લઈને 11 વૃક્ષોના ઉછેરની જવાબદારી લેનાર દાતાઓનું સન્માન કરાયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply