વાઇબ્રન્ટ ગુજરાત- વાઇબ્રન્ટ પોરબંદર સમિટમાં રૂ. 449 કરોડના 546 MOU થયા
Live TV
-
વાઇબ્રન્ટ- ગુજરાત વાઇબ્રન્ટ પોરબંદર અંતર્ગત આજે પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને ફિશરીઝ, પ્રવાસન, પોર્ટ, મિનરલ, એગ્રી, કેમિકલ, એન્જિનિયરીંગ સેક્ટરના કુલ રૂ. 449 કરોડના 546 MOU થયા હતા. તેઓએ ઉદ્યોગ સાહસિકોને આવકારી પોરબંદર જિલ્લામાં જરૂરી માળખાગત વિકાસ પણ કરવામાં આવશે તેમ જણાવી રાજ્ય સરકારના ઔદ્યોગિક વિકાસના વિઝન સાથે રોકાણકારો માટે ગુજરાતમાં ઉપલબ્ધ અનુકૂળતાઓની માહિતી આપી હતી.
મંત્રીએ પોરબંદરમાંથી બહાર ગયેલા ઉદ્યોગસાહસિકોને ફરી પોરબંદર આવવા તેમજ પોરબંદર જિલ્લામાં વિકાસની જે તકો રહેલી છે તે જણાવી ફીસરીઝ, એગ્રીકલ્ચર અને ટુરિઝમ ક્ષેત્રે વિકાસ માટે સૌના સહકારથી આગળ વધવા આહવાન કર્યું હતું. પોરબંદરમાં મોટા ઉદ્યોગો આવે તથા અહીંના નાના ઉદ્યોગો પણ વધુ પ્રમાણમાં વિકસે તે માટે આપણે સાથે મળીને પ્રયાસ કરીએ તેમ જણાવી તેમની સાહસિકતા- સફળતામાં જરૂરી મહેનત અને સંદર્ભ સાથે તેઓએ નવ યુવાનોને માર્ગદર્શન મળશે તેમ પણ જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમના સંકલન સાથે પોરબંદરનાસંયુક્ત ઉદ્યોગ કમિશનર ધર્મેશ પરમારે શાબ્દિક સ્વાગત કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ઉપલબ્ધ વિગતો આપી જિલ્લા વાઇબ્રન્ટ સમિટ માં ઔદ્યોગિક સાહસિકોને આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં એક કરોડથી માંડીને વિવિધ મોટી રકમની ઔદ્યોગિક સાહસિકોની લોન અને સહાય તેમજ માનવ કલ્યાણ યોજના ના 28 લાભાર્થીઓને કીટ અર્પણ કરવામાં આવી હતી. આ તકે પોરબંદર જિલ્લામાં રોકાણ કરનાર ઉદ્યોગ સાહસિકોએ પોતાના વિચારો રજૂ કરી પોતાના ઉદ્યોગની રૂપરેખા આપવાની સાથે રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ પોરબંદર કાર્યક્રમ દ્વારા જિલ્લામાં વિકાસ અને રોજગારીની વિવિધ નવી તકો ઉભી થશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં અધિકારીઓ પદાધિકારીઓ અને ઔદ્યોગિક સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
