વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024ની પ્રિ-ઇવેન્ટ અંતર્ગત 'લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો' કોન્ફરન્સ
Live TV
-
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે વિવિધ પ્રિ-વાઇબ્રન્ટ સેમીનાર યોજાઈ રહ્યા છે. જે અન્વયે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ વિભાગ આયોજિત 'લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો' કોન્ફરન્સ યોજાઈ હતી.
આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું. રાષ્ટ્ર અને રાજ્યના વધતા વિકાસ સાથે અર્બનાઈઝેશન પણ સતત વધતું રહ્યું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અર્બનાઈઝેશનને ચેલેન્જ નહીં ઓપોર્ચ્યુનિટી તરીકે અપનાવવાનું વિઝન આપ્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પ્રગતિ અને પર્યાવરણ બેયને સાથે રાખીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ છે. તેમણે 2047 સુધીમાં વિકસિત ભારતની પ્રધાનમંત્રીની નેમ પાર પાડવામાં સસ્ટેઇનેબલ અને લિવેબલ સિટીઝની ભૂમિકા મહત્વની બનશે તેમ જણાવતાં આ પ્રિ-વાઇબ્રન્ટ કોન્ફરન્સનો નિષ્કર્ષ શહેરોને લિવેબલ અને લવેબલ બનાવવામાં ઉપયુક્ત નીવડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોરે ગુજરાતને વિકાસનું આદર્શ મોડલ ગણાવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગુજરાતના વિકાસ મોડલ થકી દેશના અન્ય રાજ્યોને દિશા આપી હતી. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા શહેરો આદર્શ શહેરની પરિભાષાને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, શહેરોને આદર્શ અને લીવેબલ બનાવવા માટે પાણી, આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને કચરાના યોગ્ય નિકાલની સુવિધા સહિત પ્રદુષણને ઘટાડવા વધુમાં વધુ વૃક્ષો હોવા ખુબ જ આવશ્યક છે. માત્ર શહેર જ નહિ, સમગ્ર દેશને સ્વચ્છ બનાવવા પ્રધાનમંત્રીએ પદભાર સંભાળતાની સાથે જ સ્વચ્છ ભારત મીશનની શરૂઆત કરાવી હતી, અને પોતે પણ આ અભિયાનમાં જોડાઈને સૌને પ્રેરિત કર્યા હતા. સાથે જ પ્રદુષણને ઘટાડવા માટે પણ તેમણે રીન્યુએબલ એનર્જીના સ્ત્રોત અને ઇલેક્ટ્રિક વાહનોને વધારે પ્રોત્સાહન આપ્યું છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં શહેરીકરણ તેજ ગતિથી વધી રહ્યું છે, ત્યારે શહેરોને પણ તે જ રીતે વિકસાવવા એટલા જ જરૂરી છે. આજે ભારત વિષની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આગામી સમયમાં ભારતની અર્થવ્યવસ્થાને ત્રીજા સ્થાને લાવવા દરેક ક્ષેત્રનો વિકાસ થવો એટલો જ જરૂરી છે, જેના માટે ભારત સરકાર કૌશલ્ય વિકાસ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા, પ્રધાનમંત્રી સ્વનીધિ યોજના સહિતના પ્રયાસો થઇ રહ્યા છે.