ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા અમદાવાદ ખાતે ચોથી રીજનલ કોન્ફરન્સ યોજાઈ
Live TV
-
આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચની ચોથી એક દિવસીય રીજનલ કોન્ફરન્સ યોજાઈ હતી. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓની ટીમ દ્વારા 5 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી તથા સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર્સની બેઠક યોજાઈ હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાન મથકોની વિગતો અને આગામી ચૂંટણીને લગતી તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાર નોંધણી, મતદાન મથકો પર આવશ્યક પ્રાથમિક સુવિધાઓ (AMF), મૅનપાવરની જરૂરિયાત અને ઉપલબ્ધતા વિશે પણ ECI ટીમને માહિતગાર કરવામાં આવ્યા હતા.
લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા વિવિધ રાજ્યોની ચૂંટણીની તૈયારીઓ માટે રીજનવાઈઝ સમીક્ષા બેઠક યોજવામાં આવી રહી છે. 31 ઑક્ટોબરના રોજ ચંદીગઢ, 9 નવેમ્બરના રોજ ચેન્નઈ અને 20 નવેમ્બરના રોજ ગુવાહાટી ખાતે રીજનલ કૉન્ફરન્સ બાદ અમદાવાદ ખાતે યોજાયેલી ચોથી રીજનલ કૉન્ફરન્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગણા, ગોવા તથા દીવ, દમણ અને દાદરા નગરહવેલીના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓ અને સ્ટેટ નોડલ પોલીસ ઑફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.
અધિકારીઓને મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન ક્ષતિરહિત મતદારયાદી સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ અપાયો હતો. આ ઉપરાંત સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન (SVEEP) દ્વારા મતદાન વધારવા વિવિધ કાર્યક્રમો, વિવિધ IT એપ્લિકેશનનો મહત્તમ ઉપયોગ, ચૂંટણી ખર્ચ વ્યવસ્થાપન અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ અને સ્ટાફને તાલીમ તથા સુસજ્જતા કેળવવા અંગે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. મહિલાઓ, યુવાનો, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો, ત્રીજી જાતિના લોકો અને અતિ સંવેદનશીલ આદિવાસી જુથોની મતદારયાદીમાં સમાવેશકતા સુનિશ્ચિત કરવા પર પણ ભાર મુકવામાં આવ્યો હતો. વધુમાં ECIની ટીમ દ્વારા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન રાજકીય પક્ષો તેમજ અન્ય સ્ટેક હોલ્ડર સાથે પરામર્શ કરવા ભાર આપવામાં આવ્યો.