વિકાસ સપ્તાહની ઉજવણી,૨૧ જિલ્લાના ૪૯૦૦ લાભાર્થીઓને ૬૮ કરોડના લાભ અપાયા
Live TV
-
સતત 23 વર્ષ સુધી ગરીબો,વંચિતો ,ખેડૂતો, મહિલા ,બાળકોના કલ્યાણ માટે પોતાના જીવનના મુખ્યમંત્રી તરીકેના 12 વર્ષ અને પ્રધાનમંત્રી તરીકે ના 11 વર્ષ, નરેન્દ્ર ભાઈ મોદીએ દેશ અને ગુજરાત માટે સમર્પિત કર્યા છે.આજે તેઓ પ્રધાનમંત્રી તરીકે સતત કાર્યરત છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષને સાત થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ગુજરાત સરકાર ઉજવી રહી છે.
“ વિકાસ સપ્તાહ “ની ઉજવણીના ભાગરૂપે આજે ગાંધીનગરમાં,જી.એન.એલ.યુ.,કોબા ખાતે , ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ તેમજ સંલગ્ન નિગમોની યોજનાઓના લાભાર્થીઓને લોન /સહાય વિતરણ માટે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના 21 જિલ્લાઓનો સમારોહ યોજાયો હતો. આ સમારોહના અધ્યક્ષ પદેથી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર ભાઈ મોદીએ સમાજમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ કઈ રીતે થઈ શકે તે આપણને શીખવાડ્યું છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ ગરીબોનું સશક્તિકરણ કરવાનું તેમણે શરૂ કર્યું હતું. વંચિતોને વિકાસની રાહમાં કઈ રીતે જોડી શકાય એ તેમણે સૌને શિખવાડ્યું છે . દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે પણ "મારી સંપૂર્ણ સરકાર બાબા સાહેબના બંધારણને આધીન હશે," એમ કહેલું.ડો.બાબાસાહેબને આદર્શ માનીને તેઓ પીડિતો, વંચિતો માટે કામ કરી રહ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના સમુદાયના લોકોના સામાજિક ઉત્કર્ષ માટે, વિવિધ નિગમોની રચના કરવામાં આવેલી છે .આજે ૬૮ કરોડથી વધારે રકમના લાભો ૪૯૦૦ લાભાર્થીઓને અને છેવાડાના માનવીને મળવાના છે. ગુજરાત સરકારના પ્રયત્નોને લીધી અનુસૂચિત જાતિના યુવાઓ વિદેશ અભ્યાસ કરવા માટે દેશ બહાર જઈ શકે છે.આજે વિદેશ અભ્યાસ લોન, ઘરના ઘરનું સપનું , ટર્મ લોન સહિતની અનેકવિધ સહાય/લોન લાભાર્થીઓને મળવાની છે. આ સમારંભમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર અતિથિ વિશેષપદેથી જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વંચિતોના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. એક જ પ્લેટફોર્મ અને એક જ જગ્યાએથી 21 જિલ્લાના લાભાર્થીઓને લાભો મળવાના છે, આજે ઓનલાઈન ડ્રોથી જ લાભાર્થીઓ પસંદ થશે અને તમારા સૌની નજર સમક્ષ લાભાર્થીના ખાતામાં ડીબીટી મારફત નાણાં ટ્રાન્સફર થવાના છે.જે નરેંદ્ર ભાઇના વિઝનને કારણે શક્ય બન્યું છે.
આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળના 1569 લાભાર્થીઓને રૂપિયા 20 કરોડની સહાય આપવામાં આવી હતી તેમજ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ હેઠળના 1663 લાભાર્થીઓને રૂપિયા 24.11 કરોડની સહાય આપવામાં આવી હતી. ગુજરાત સફાઈ કામદાર વિકાસના 1349 લાભાર્થીઓને રૂપિયા 16.17 કરોડની સહાય આપવામાં આવી હતી એટલું જ નહીં, ડોક્ટર આંબેડકર અંત્યોદય જાતિ વિકાસ નિગમ હેઠળ 379 લાભાર્થીઓને રૂપિયા 7.11 કરોડની સહાય આપવામાં આવી હતી. આમ, કુલ મળીને 4,900 લાભાર્થીઓને એક જ જગ્યાએથી રૂપિયા 68 કરોડથી વધુની લોન/ સહાયના લાભોનું વિતરણ કરાયું હતું.
વિદેશ અભ્યાસ લોનના લાભાર્થીઓને રૂ. 15 લાખના ચેક, પેસેન્જર વાનની ચાવીઓ અને રૂ. દસ લાખની લોનના ચેક, મંચસ્થ મહાનુભાવના હસ્તે આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કાર્યક્રમની પૂર્ણાહતિ પહેલા સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તેમજ મંચસ્થ મહાનુભાવો દ્વારા 21 જિલ્લાના ત્રણ નિગમોના લાભાર્થીઓને, પેસેન્જર વાન અને ઓટો રીક્ષા જેવા વાહનોને લીલી ઝંડી આપી ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં અનુસૂચિત જાતિ સમુદાયના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સામાજિક આગેવાનો અને લાભાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
