વિદેશથી MBBS કરેલા ઈન્ટર્ન ડોકટરો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Live TV
-
સામાન્ય ઇન્ટર્ન ડોક્ટરોની સમકક્ષ દર મહિને મળશે રુ.21,840નું સ્ટાઇપેન્ડ... રાજ્યમાં ઇન્ટર્નશિપ કરતા આશરે 350 જેટલા ડોક્ટરોને લાભ મળવાની શક્યતા...
વિદેશથી MBBS કરેલા ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઇપેન્ડ આપવા અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે... આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું કે, વિદેશથી MBBS કરેલા ઇન્ટર્ન ડોક્ટરોને પણ હવેથી સામાન્ય ઇન્ટર્ન ડોક્ટરો સમકક્ષ પ્રતિ માસ રૂપિયા 21 હજાર 740 સ્ટાઇપેન્ડ મળશે... આ નિર્ણયથી રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કોલેજોમાં ઇન્ટર્નશીપ કરતા આશરે 350 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ શું કહ્યું ?
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું કે, યુવાહિતને પ્રાધાન્ય આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી MBBS અભ્યાસક્રમ પાસ કરેલા ઇન્ટર્ન તબીબોના હિતમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે... તેમણે વિગતો આપતાં કહ્યું કે, ન્યુ દિલ્હીના નેશનલ મેડિકલ કમિશનના નિયમો મુજબ વિદેશ ખાતેથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરેલ દેશના દરેક તબીબી વિદ્યાર્થીએ ભારતમાં ફરજિયાત એક વર્ષની ઇન્ટર્નશીપ કરવાની હોય છે.
રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કોલેજો ખાતે ઇન્ટર્નશીપ કરતા આવા MBBS ઇન્ટર્ન તબીબોને રાજ્યના અન્ય ઇન્ટર્ન તબીબો જેટલું જ, એટલે કે પ્રતિ માસ રૂપિયા 21,840નું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે.
રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયથી ન્યુ દિલ્હીના નેશનલ મેડિકલ કમિશનના નિયમોનુસાર ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કોલેજો ખાતે તા. 1 જૂન 2026 અને તા. 1 ઓકટોબર 2026થી ઇન્ટર્નશીપ પોસ્ટીંગ મેળવનારા આશરે 350 જેટલા વિદ્યાર્થીઓને પ્રતિ માસ રૂપિયા 21 હજાર 840નું સ્ટાઇપેન્ડ મળવા પાત્ર રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ સંવેદનશીલ નિર્ણયથી વિદેશથી અભ્યાસ કરીને પરત ફરેલા રાજ્યના હોનહાર તબીબી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને આર્થિક ટેકો મળશે.
