Skip to main content
Settings Settings for Dark

વિશ્વ પર્યાવરણ દિવસ" : હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય માટે સંકલ્પનો દિવસ

Live TV

X
  • દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં "વિશ્વ પર્યાવરણ દિવસ" ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 1972માં સ્વીડનના સ્ટોકહોમ ખાતે યોજાયેલી પર્યાવરણ પરિષદ બાદ પર્યાવરણ સંરક્ષણ અંગે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.

    આજે "વિશ્વ પર્યાવરણ દિવસ" વિશ્વના 150થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જવાબદારીની ભાવના કેળવવાનું મહત્વપૂર્ણ માધ્યમ બન્યો છે.વર્તમાન સમયમાં વધતું પ્રદૂષણ, વૈશ્વિક તાપમાનમાં વધારો, જંગલોનો નાશ, પાણીના સ્ત્રોતોનું ક્ષય અને પ્લાસ્ટિક કચરાની સમસ્યા સમગ્ર માનવજાત માટે પડકારરૂપ બની છે. આ પરિસ્થિતિમાં પર્યાવરણનું સંરક્ષણ માત્ર સરકારો કે સંસ્થાઓની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકનું કર્તવ્ય છે. વૃક્ષોનું જતન, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ, ઊર્જા બચત, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો જેવા નાના પ્રયાસો પણ પર્યાવરણ સંરક્ષણમાં મોટું યોગદાન આપી શકે છે.

    ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે વિવિધ યોજનાઓ અને અભિયાનો અમલમાં મૂકવામાં આવ્યા છે. ‘એક પેડ મા કે નામ’, વૃક્ષારોપણ અભિયાન, જળ સંરક્ષણના કાર્યક્રમો, સ્વચ્છ ભારત મિશન અને નવીનીકરણીય ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન જેવી પહેલો પર્યાવરણને વધુ સુરક્ષિત બનાવવામાં મદદરૂપ બની રહી છે.ડાંગ જિલ્લો રાજ્યનો સૌથી વધુ વન વિસ્તાર ધરાવતો જિલ્લો ગણાય છે. અહીંના ગાઢ જંગલો, સમૃદ્ધ જૈવ વૈવિધ્યતા, નદીઓ અને કુદરતી સંપદાઓ સમગ્ર ગુજરાત માટે કુદરતી ધરોહર સમાન છે. જિલ્લાના વનો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ નહીં પરંતુ આદિવાસી સમાજના જીવન અને આજીવિકાનો પણ આધારસ્તંભ છે. વન સંરક્ષણ, જળ સંચય અને કુદરતી સંસાધનોના ટકાઉ ઉપયોગ માટે જિલ્લાના વિવિધ વિભાગો અને સ્થાનિક સમુદાયો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    "વિશ્વ પર્યાવરણ દિવસ" માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ કુદરત પ્રત્યે આપણી જવાબદારીને યાદ કરવાનો અવસર છે. જો આપણે આજે પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃત બનીને અસરકારક પગલાં ભરીશું તો આવનારી પેઢીઓને સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને હરિયાળું, સુરક્ષિત પર્યાવરણ આપી શકીશું.પર્યાવરણ બચાવવાનો સંકલ્પ એ માત્ર એક દિવસ પૂરતો ન રહી સમગ્ર જીવનશૈલીનો ભાગ બને, ત્યારે જ "વિશ્વ પર્યાવરણ દિવસ" ની ઉજવણીનું સાચું મહત્વ સાકાર થશે. “પ્રકૃતિનું રક્ષણ એટલે માનવજાતનું રક્ષણ” આ વિચારને જીવનમાં ઉતારીને આપણે સૌ હરિયાળા અને સમૃદ્ધ ભવિષ્યના નિર્માણમાં ભાગીદાર બની શકીએ છીએ.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply