'વિશ્વ યુવા કૌશલ્ય દિવસ' નિમિત્તે યુવા સશક્તિકરણ માટે AI અને ડિજિટલ કૌશલ્યો પર ભાર
Live TV
-
'વિશ્વ યુવા કૌશલ્ય દિવસ' નિમિત્તે યુવા સશક્તિકરણ માટે AI અને ડિજિટલ કૌશલ્યો પર ભાર
આજે "વિશ્વ યુવા કૌશલ્ય દિવસ" નિમિત્તે, ગુજરાત રાજ્ય યુવાનોને રોજગારી માટે કૌશલ્યવાન બનાવવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, રાજ્ય સરકારે યુવાનોને આધુનિક શ્રમ બજારની જરૂરિયાતો મુજબ તૈયાર કરવા માટે અનેક કૌશલ્ય વિકાસ પહેલ કરી છે. આ વર્ષની થીમ "યુવા સશક્તિકરણ માટે AI અને ડિજિટલ કૌશલ્યો" પર ભાર મૂકે છે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ, રાજ્યમાં કૌશલ્ય ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે અનેક યોજનાઓ અમલમાં છે:
મુખ્યમંત્રી સ્કિલ ડેવલપમેન્ટ ઈનીશીએટીવ (MSDI): 2024-25માં 6.50 લાખથી વધુ યુવાનોને કૌશલ્ય તાલીમમાં જોડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના (MBKVY): અત્યાર સુધીમાં 19 હજારથી વધુ યુવાનોને ડ્રોન, હેલ્થકેર અને ઓટોમેશન જેવા ઉભરતા ક્ષેત્રોમાં કૌશલ્યબદ્ધ કરાયા છે.
મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના (MAY): 91 હજારથી વધુ તાલીમાર્થીઓ જોડાયા છે.
રાજ્યમાં કુલ 558 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) કાર્યરત છે, જેમાં 2.16 લાખથી વધુ તાલીમાર્થીઓ કૌશલ્યવર્ધક તાલીમ મેળવી રહ્યા છે. આમાં 30 મહિલા અને 19 દિવ્યાંગો માટેની ખાસ ITI નો પણ સમાવેશ થાય છે. કૌશલ્ય - ધ સ્કિલ યુનિવર્સિટી 100 થી વધુ ઉદ્યોગ-આધારિત અભ્યાસક્રમો ચલાવે છે.
'મેગા ITI યોજના' હેઠળ 6 થી 8 સેક્ટરોમાં 'સેન્ટર ઓફ એક્સીલન્સ' વિકસાવવામાં આવી રહ્યા છે, જેથી યુવાનોને ઇન્ડસ્ટ્રી 4.0 ની જરૂરિયાત મુજબની તાલીમ મળી શકે. ગુજરાત એપ્રેન્ટિસ તાલીમ સંસ્થા (GATI) પ્રોજેક્ટ હેઠળ 8 Institute for Training of Trainers (iToT) સેન્ટર્સનું નિર્માણ પ્રગતિમાં છે.
અંતરિયાળ વિસ્તારોના યુવાનો માટે "સક્ષમ"- કેવીકે 2.0 યોજના અને ઉદ્યોગોના કારીગરોના અપસ્કીલિંગ માટે લોકલ ઇન્સ્ટિટ્યુટ ફોર વોકેશનલ એજ્યુકેશન (LIVE) યોજના પણ કાર્યરત છે, જેમાં સ્ટાઈપેન્ડ પણ ચૂકવાય છે. "ઉદ્યોગો દ્વારા, ઉદ્યોગો ખાતે, ઉદ્યોગો માટે" ના કન્સેપ્ટ પર આધારિત 'પ્રોજેક્ટ સંકલ્પ યોજના' ઉદ્યોગોની માંગ આધારિત કૌશલ્ય તાલીમ પૂરી પાડે છે.
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) હેઠળ, 2024-25માં રાજ્યના 15,000 જેટલા યુવાનોને ટૂંકા ગાળાની કૌશલ્ય તાલીમમાં જોડવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15 જુલાઈ, 2015 ના રોજ શરૂ કરાયેલ 'સ્કિલ ઇન્ડિયા મિશન'ના ઉદ્દેશ્યને સાકાર કરવામાં ગુજરાત સતત યોગદાન આપી રહ્યું છે, જે 'મેક ઇન ઇન્ડિયા' અને 'વિકસિત ભારત@2047' ના લક્ષ્યોને સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે.
