વિશ્વ સાયકલ દિવસ: સુરતીઓમાં સાયકલિંગનો ભારે ક્રેઝ, 12 લાખ સુધીની સાયકલ વસાવી ફિટનેસ જાળવે છે સુરતીઓ
Live TV
-
'ફિટ ઇન્ડિયા'ના સૂત્રને સાર્થક કરતા આજે વિશ્વ સાયકલ દિવસે સુરતમાં સાયકલિંગ પ્રત્યેનો અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનેલા સુરતીઓ પોતાની ફિટનેસ માટે લાખો રૂપિયાની સાયકલ ખરીદવામાં પણ પાછળ હટતા નથી.શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે અનેક ગ્રુપો સક્રિય થયા છે. જેમાં 'સુરતી રાઇડર્સ ગ્રુપ' અગ્રણી છે. આ ગ્રુપની શરૂઆત માત્ર 5 થી 6 સભ્યોથી થઈ હતી, જે આજે વધીને 50થી વધુ સભ્યો સુધી પહોંચી છે. રસપ્રદ વાત એ છે કે, આ ગ્રુપમાં 25 વર્ષના યુવાનોથી લઈને 65 વર્ષના વયસ્ક સભ્યો એકસાથે સાયકલિંગ કરે છે અને તમામ સભ્યો અત્યાર સુધીમાં 50,000 કિમીથી વધુ સાયકલિંગ કરી ચૂક્યા છે.
સાયકલિંગના આ શોખ પાછળ સુરતીઓનો ખર્ચ પણ મોટો છે. લોકો તેમની પસંદગી મુજબ 7,000 થી લઈને 12 લાખ રૂપિયા સુધીની મોંઘીદાટ સાયકલ વસાવી રહ્યા છે. ઘણા સભ્યો પાસે 2 થી 4 લાખ રૂપિયાની સાયકલ છે, તો એક સભ્ય પાસે તો 12.50 લાખ રૂપિયાની કિંમતની હાઇ-એન્ડ સાયકલ છે.સભ્યોના જણાવ્યા અનુસાર, સાયકલિંગ માત્ર શરીરને જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ સ્વસ્થ રાખે છે. દરરોજ વહેલી સવારે સુરતના રસ્તાઓ પર સાયકલ ચલાવતા આ ગ્રુપના સભ્યો શહેરના અન્ય નાગરિકો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.
