વિશ્વ સિંહ દિવસ: માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને રાખવા માટે આંબરડી સફારી પાર્કમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવાશે
Live TV
-
માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને ખાસ સીમિત ક્ષેત્રમાં રાખવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં એક ખાસ સીમિત ક્ષેત્રના નિર્માણ માટે વન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને આ ક્ષેત્રમાં તેમની કુદરતી હેબિટેટ અંતર્ગત રાખવામાં આવશે. આંબરડી સફારી પાર્ક એ અમરેલી જિલ્લાના ધારીમાં સ્થિત ગીર સંરક્ષિત વિસ્તારનું આરક્ષિત જંગલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સિહ સંરક્ષણ-સંવર્ધનની યોજનાઓ અને પ્રોજેક્ટ્સનું અસરકારક અમલીકરણ કર્યું છે. સિંહોની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે 10 ઓગ્ષટે 'વિશ્વ સિંહ દિવસ' મનાવવામાં આવે છે.
આ વિષય અંગે અગ્રમુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ડૉ. જયપાલ સિંઘ, IFS દ્વારા જણાવ્યા અનુસાર, “માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સીમિત ક્ષેત્રમાં રાખવા માટે આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કરીને તેમને અનુકૂળ વાતવરણ અંતર્ગત રાખવામાં આવશે. આ કામગીરી માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે અને તે અંગેની જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી છે.”
મનુષ્યો અને વન્યજીવો વચ્ચે સંઘર્ષ ઘટાડવા, પ્રાણીઓને સુરક્ષિત રહેઠાણ ઉપલબ્ધ કરાવવા, જૈવિક સંતુલન જાળવવા અને પ્રજાતિઓના લાંબા ગાળાના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા સમયાંતરે વૈજ્ઞાનિક રીતે સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવે છે.
વન્ય પ્રાણીઓના સ્થળાંતર પાછળ સામાન્ય રીતે અનેક કારણો જવાબદાર હોય છે. જ્યારે પ્રાણી ગામડાં કે વસ્તીવાળા વિસ્તારોમાં ઘૂસી જાય ત્યારે તેને સુરક્ષિત રીતે પકડીને જંગલમાં પાછું છોડવામાં આવે છે. આ ઉપરાંત, ઘાયલ કે બીમાર પ્રાણીઓની સારવાર માટે, વસ્તી નિયંત્રણ અને યોગ્ય રહેઠાણ (હેબિટેટ) પૂરું પાડવા માટે પણ સ્થળાંતર કરવામાં આવે છે. સિંહ અને દીપડાના કિસ્સામાં ઘણી વખત તેઓ ખેતરો કે રહેણાંક વિસ્તારોમાં ભટકી જતાં હોવાથી તેમને પકડીને સુરક્ષિત અભયારણ્ય કે જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે, જ્યારે મગરના કિસ્સામાં તળાવો કે નદીકિનારે વસ્તીની નજીક જોવા મળે ત્યારે તેમને સલામત જળાશયોમાં ખસેડવામાં આવે છે.
અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલું આંબરડી સફારી પાર્ક ગુજરાતનું એક મહત્વપૂર્ણ વન્યજીવ પ્રવાસન કેન્દ્ર છે. આશરે 365 હેક્ટર વિસ્તારમાં વિસ્તરેલું આ પાર્ક ગીરના કુદરતી પર્યાવરણનો અનુભવ કરાવે છે. અહીં એશિયાટિક સિંહ ઉપરાંત દીપડો, ચિતલ, નીલગાય, ચિંકારા, મોર અને વિવિધ પક્ષીઓનું સંરક્ષણ કરવામાં આવે છે.
વર્ષ 2017માં શરૂ થયેલું આંબરડી સફારી પાર્ક વન્યજીવ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી વિકસાવવામાં આવ્યું છે. આધુનિક સફારી સુવિધાઓ, હરિયાળું કુદરતી વાતાવરણ અને ગીરના વન્યજીવનનો નજીકથી અનુભવ કરવાની તક મળવાને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાત લે છે. આ પાર્ક સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા સાથે અમરેલી જિલ્લામાં ઇકો-ટૂરિઝમના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. પ્રાણીજગતમાં રૂચિ ધરાવતા પ્રવાસીઓ માટે આંબરડી સફારી પાર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
