વીડિયો કોન્ફરન્સિંગ (ફોર્મલ વિટનેસ ડિપોઝીશન સેન્ટર) સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવા રાજ્યના પોલીસ વડાનો અનુરોધ
Live TV
-
ન્યાય તંત્ર અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી સામાન્ય નાગરિકો, સાક્ષીઓ તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો કિંમતી સમય બચાવવા તથા ઇંધણની મોટી બચત કરવાના આશયથી કોર્ટમાં જુબાની આપવા માટે વીડિયો કોન્ફરન્સ કેન્દ્ર (Formal Witness Deposition Centre)ની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ સુવિધા અંતર્ગત આજે રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે પોતે આ આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ સમાજ અને પોલીસ વિભાગ સમક્ષ એક ઉત્કૃષ્ટ અને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ વર્ષ 2021ના એક એસીબી (ACB)ના કેસમાં પ્રોસિક્યુશન મંજૂરી આપવા અનુસંધાને આજે મહત્વની જુબાની આપવા માટે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના વીડિયો કોન્ફરન્સ કેન્દ્ર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. આ કેસની સુનાવણી કચ્છ-ગાંધીધામની કોર્ટમાં ચાલી રહી હોય, DGPએ ગાંધીનગરથી જ ઓનલાઈન માધ્યમ દ્વારા કચ્છની કોર્ટમાં હાજર થઈને પોતાની જુબાની નોંધાવી હતી. ગાંધીનગરથી કચ્છ સુધી લાંબી મુસાફરી કરવાને બદલે ટેકનોલોજીના માધ્યમથી ગણતરીના સમયમાં જ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
આ સુવિધાનો કારણે દૂર-દૂરની કોર્ટોમાં ધક્કા ખાવામાંથી મુક્તિ મળતા કલાકોનો સમય બચે છે અને સરકારી તેમજ વ્યક્તિગત ઇંધણની મોટી બચત થાય છે. સાક્ષીઓ કે અધિકારીઓની ભૌગોલિક હાજરીના અભાવે કેસમાં તારીખો પડતી નથી, જેથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી બને છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મુસાફરીના બદલે કાયદો અને વ્યવસ્થાની પોતાની મૂળભૂત ફરજો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. વિવિધ જેલોમાં બંધ કેદીઓને કોર્ટમાં રજૂ કરવા માટે લાવવા-લઈ જવાની ઝંઝટ મુક્ત બને છે. જેનાથી પોલીસ જાપ્તાનો ખર્ચ ઘટે છે અને સુરક્ષા જોખમો નિવારી શકાય છે.રાજ્યના પોલીસ વડાએ પોતે આ સુવિધાનો ઉપયોગ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટેકનોલોજીનો સ્વીકાર એ આજના સમયની માંગ છે. સમય, શક્તિ અને રાષ્ટ્રીય સંપત્તિ સમાન ઇંધણની બચત કરતી આ ઉત્તમ ડિજિટલ સુવિધાનો રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો મહત્તમ ઉપયોગ કરે તેવો અનુરોધ ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા કરવામાં આવ્યો છે.
