વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો
Live TV
-
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કચ્છના અંજાર, ગાંધીધામ અને મુન્દ્રામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં કચ્છના અંજારમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો દ્વારકાના ખંભાળીયાના અનેક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ જામનગરના ધ્રોલ તાલુકા અને શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. અંબાજીમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. પાટણ, ભાવનગર અને બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. કમોસમી વરસાદથી જીરું તેમજ દિવેલામાં નુકશાન થવાની ભીતિ છે. ઠંડા પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા રવિપાકને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. તો વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગ દ્વારા વિવિધ રાજ્યોમાં વરસાદ સહિત હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર, પાકિસ્તાન, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અને પંજાબમાં ભારે વરસાદ અને હિમવર્ષાને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરી મધ્યપ્રદેશ, પૂર્વીય રાજસ્થાનમાં ગઇકાલ સુધી યલો એલર્ટ જાહેર કરાયુ હતું. તો બીજી તરફ જમ્મુ કાશ્મીરના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષાને ઠંડીનો પ્રકોપ વધ્યો છે. પરિણામે જિલ્લા પ્રશાસને ડોડા તથા કિશ્તવાડ સહિત ચેનાબ ઘાટીના પર્વતીય જિલ્લામાં બે દિવસ માટે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
