શ્રેય હોસ્પિટલ આગ મામલે હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ પંચની કરાશે રચના
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રિપોર્ટ સબમિટ થયા બાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના સંચાલકો સામે ગુનો નોંધાયો
અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં તપાસ બાદ મુખ્યમંત્રી વિજય રુપાણી સમક્ષ રિપોર્ટ સબમિટ કરાયો છે. જેમાં જણાવાયું છે કે, ઇલેકટ્રીક તબીબી ઉપકરણમાં આગ લાગવાથી આ ઘટના બની હતી. આ એક પ્રકારની આકસ્મિક આગ છે, આગ અંદાજે ત્રણ મિનિટમાં ICUમાં પ્રસરી ગઈ હતી. આ સાથે અમદાવાદ મહાનગરપાલિકા, એફએસએલ, ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટર, ફાયરબ્રિગેડ અને પોલીસની કામગીરીનો અહેવાલ રજુ કરાયો હતો. આ રિપોર્ટની વધુ તપાસ માટે તેમજ આઠ કોરોનાના દર્દીઓનાં આગમાં મોત માટે કોઇ જવાબદાર વ્યક્તિ છટકી ન જાય તે માટે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ તપાસ સોંપવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્ચું હતું કે, મુખ્યમંત્રીએ રિપોર્ટ મળ્યા બાદ ફરિયાદ દાખલ કરવાનો હુકમ પણ કર્યો છે. જેના આધારે નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે હોસ્પિટલના સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેની તપાસ ડીસીપી ઝોન-1ના માર્ગદર્શન હેઠળ થશે. મહત્વનું છે કે, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીને તપાસ કરીને રિપોર્ટ આપવા માટે તાકીદ કરી હતી.
