સમય અને ઈંધણની મોટી બચત: મહેસાણાથી દિલ્હી દૂધના ટેન્કર હવે 7 કલાકમાં પહોંચશે
Live TV
-
આગામી તારીખ 29 અને 30 જૂનના રોજ કલાનગરી અને ઔદ્યોગિક હબ વડોદરા ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ વૈશ્વિક સમિટના પૂર્વાર્ધમાં મધ્ય ગુજરાતની ઔદ્યોગિક કાયાપલટ કરનાર વડોદરાના વરણામા ‘ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર’ (DFC) પર સૌની નજર મંડાઈ છે. ભારતીય રેલવેના પરંપરાગત ટ્રેક પરથી માલગાડીઓનું ભારણ ઘટાડી પરિવહન ક્ષેત્રે ટકાઉ નિવારણ લાવવા માટે આ કોરિડોર ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યો છે.
માલગાડીઓની સંખ્યા બમણી થશે, પેસેન્જર ટ્રેનોની ગતિ વધશે
વડોદરા જિલ્લાના 30 ગામોમાંથી પસાર થતો આ સ્પેશિયલ ટ્રેક હાલમાં વડોદરા-મુંબઈ રૂટ પર દર 24 કલાકમાં અંદાજે 50થી 70 ગુડ્ઝ ટ્રેનો દોડાવી રહ્યો છે. આગામી બેથી ત્રણ મહિનામાં તમામ માલગાડીઓને આ સમર્પિત ટ્રેક પર ડાયવર્ટ કરાશે, જેથી આ રૂટ પર માલગાડીઓની સંખ્યા વધીને 110થી 140 થશે. જૂના પરંપરાગત ટ્રેક પર માલગાડીઓનું ભારણ શૂન્ય થતાં જ પેસેન્જર ટ્રેનોની સંખ્યા અને ઝડપ બંનેમાં મોટો વધારો જોવા મળશે. જ્યાં અગાઉ ગુડ્ઝ ટ્રેનની સરેરાશ ઝડપ માત્ર 25 કિમી/કલાક હતી, તે DFCના કારણે વધીને 70 કિમી/કલાક થઈ ગઈ છે અને ભવિષ્યમાં તેને 100 કિમી/કલાક લઈ જવાનો લક્ષ્યાંક છે.દૂધના ટેન્કરો 17 કલાકના બદલે માત્ર 7 કલાકમાં દિલ્હી પહોંચશે
આ પરિવહન ક્રાંતિનો સૌથી મોટો પ્રત્યક્ષ લાભ ડેરી ઉદ્યોગને મળ્યો છે. ટ્રક ઓન ટ્રેન સેવાના કારણે મહેસાણાની દૂધ સાગર ડેરીથી દિલ્હી સુધીના પરિવહન સમયમાં 60 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. અગાઉ જે દૂધના ટેન્કરો 17 કલાકે દિલ્હી પહોંચતા હતા, તે હવે માત્ર 7 કલાકમાં પહોંચી રહ્યા છે. આનાથી હજારો લીટર ડિઝલની બચતની સાથે કાર્બન ઉત્સર્જનમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. પશ્ચિમ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર હેઠળ વડોદરાથી મુંબઈના ન્હાવા શેવા (JNPT) પોર્ટ સુધી માલગાડીઓને પણ પેસેન્જર ટ્રેનોની જેમ ટાઈમ ટેબલ મુજબ ચલાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
