સરદાર સરોવર ડેમ સહિત રાજ્યના મુખ્ય 207 જળાશયોમાં 72.26 ટકા જળસંગ્રહ
Live TV
-
ચાલુ સિઝનમાં સારા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં ખૂબ સારા પ્રમાણમાં જળનો સંગ્રહ થયો છે. રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં સરેરાશ 72.26 ટકા જળસંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 74.80 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. રાજ્યના 92 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક થઈ છે. જેના કારણે 92 જળાશયોને સરકાર દ્વારા હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો સૌથી વધુ સૌરાષ્ટ્રના જળાશયોમાં 81 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયમાંથી 49 જળાશય સંપૂર્ણ ભરેલા છે. દક્ષિણ ગુજરાતના જળાશયોમાં 72.37 ટકા જળસંગ્રહ છે. દક્ષિણ ગુજરાતના 13માંથી 4 ડેમ સંપૂર્ણ ભરેલા છે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં 71.17 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 પૈકી એક પણ ડેમ સંપૂર્ણ નથી ભરેલા. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છના જળાશયોમાં 66.23 ટકા જળસંગ્રહ છે. કચ્છના 20માંથી 10 ડેમ સંપૂર્ણ ભરેલા છે. મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 48.97 ટકા જળસંગ્રહ થયેલ છે. મધ્ય ગુજરાતના 17માંથી માત્ર 2 જળાશય સંપૂર્ણ ભરેલા છે. મહત્વનું છે કે રાજ્યમાં સિઝનનો સરેરાશ 79.83 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેમાથી કચ્છ ઝોનમાં સૌથી વધુ 135.80 ટકા વરસાદ પડી ચૂક્યો છે.