નાળીયેરી પકવતા ખેડૂતોને વાવેતર વિસ્તાર માટે થયેલા ખર્ચના 75 ટકા સહાય મળશે, "નાળીયેરીનો વાવેતર વિસ્તાર 26 હજાર હેક્ટરથી વધીને 70 હજાર હેક્ટર સુધી પહોંચી શકે"
Live TV
-
ગુજરાત સરકારે રાજ્યમાં નાળીયેરીની ખેતી, ઉત્પાદન અને નાળીયેરી સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવા ચાલુ વર્ષે જ 'ગુજરાત નાળીયેરી વિકાસ કાર્યક્રમ' અમલમાં મૂક્યો છે. . નાળીયેરીની ઉત્પાદકતા અને ખેડૂતોની આવકમાં વધારા ઉપરાંત ઉત્પાદન વૈવિધ્યકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી 3 સપ્ટેમ્બર સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને નાળીયેરી વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના 75 ટકા મહત્તમ રૂ. 37,500 પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જેની ચૂકવણી 2 હપ્તામાં કરવામાં આવશે, 75 ટકા સહાય પ્રથમ હપ્તામાં અને બાકીની 25 ટકા સહાય બીજા હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫નને પ્રોત્સાહન આપવા માટે ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ.5000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ તમામ સહાય ખેડૂત/ખાતા દીઠ 4 હેક્ટરની મર્યાદામાં જ આપવામાં આવશે. મંત્રી રાઘવજી પટેલે વધુ માહિતી આપતા ઉમેર્યું હતું કે, ગુજરાત દેશનો સૌથી લાંબો 1600 કિ.મી. જેટલો દરિયાકિનારો ધરાવે છે, અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળીયેરીનું ઉત્પાદન વધારે થાય છે. દરિયાકાંઠાના જિલ્લામાં હાલ ૪૫.૬૧ લાખ હેક્ટર જેટલો વિસ્તાર ખેતી લાયક છે, જેને ધ્યાને રાખી દરિયાકાંઠાના જિલ્લામાં નાળીયેરીનો વાવેતર વિસ્તાર 26 હજાર હેક્ટરથી વધીને 70થી 80 હજાર હેક્ટર સુધી પહોંચવાની શક્યતા છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન રાજ્ય અને રાજ્ય બહાર નાળીયેરીની માંગ વધી છે, અને સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નારીયેળીનું ઉત્પાદન વધતા પ્રોસેસીંગ થકી તેનું મૂલ્યવર્ધન કરતા નાળીયેર પાણીનાં ટેટ્રાપેક/બોટલ, નાળીયેર મિલ્ક પાવડર, નાળીયેરી તેલ, નીરો, કોયર જેવા અનેક નાળીયેરી આધારિત ઉત્પાદનો અને ઉદ્યોગોને પ્રોત્સાહન મળવાની શક્યતાઓ વધી છે. મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ 2023-24ના અંદાજપત્રમાં કુલ રૂ. 403.30 લાખની જોગવાઇ સાથે નવી યોજના તરીકે આ મિશનને મંજૂરી આપાઈ હતી.