સિહોરના નાના સુરકા ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને "સહકારી સશક્તિકરણ" કાર્યક્રમ યોજાયો
Live TV
-
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના નાના સુરકા ગામે કૃભકો સંસ્થા તથા નાના સુરકા સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને "સહકારી સશક્તિકરણ" કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રને નવા વ્યવસાયિક અવસરો મળ્યા છે. સિહોર માર્કેટિંગ યાર્ડને રાજ્ય સરકારના સહયોગથી ખેડૂતો માટે વધુ લાભદાયી અને આધુનિક સુવિધાઓથી સજ્જ વિકસાવવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી.
રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેકથી થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી મંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા વિશેષ અનુરોધ કર્યો હતો.નાના સુરકા ગામને હરિયાળું બનાવવા માટે 2,500 વૃક્ષો વાવવા અને ત્રણ વર્ષ સુધી તેના જતન કરવાના સંકલ્પને તેમણે આવકાર્યો હતો.‘અપના ઘર’ પહેલ અંતર્ગત નાના સુરકા ગામના વડીલોને નિયમિત ટિફિન સેવા ઉપલબ્ધ કરાવવાના સેવાકીય કાર્યનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.મંત્રીએ સિહોર માર્કેટિંગ યાર્ડના નવનિયુક્ત ડિરેક્ટરો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને સદભાવના વૃદ્ધાશ્રમના આગેવાનોનું સન્માન કર્યું હતું.આ કાર્યક્રમમાં નાના સુરકા સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મામલતદાર એચ.વી. જાંબુચા, તાલુકા વિકાસ અધિકારી મૌસમસિંહ રાવ, સરપંચ પ્રવીણભાઈ ચૌહાણ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
