સોમનાથ ટ્રસ્ટના મહિલા સશક્તિકરણના અનોખા સેવાયજ્ઞને પૂ. મોરારીબાપુના સાધુવાદ
Live TV
-
સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધારેલા પૂજ્ય મોરારીબાપુએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા મહિલા સશક્તિકરણના સેવાયજ્ઞની મુલાકાત લીધી હતી.
ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય સખીમંડળની મહિલાઓને સીવણ અને રાચરચીલા નિર્માણની તાલીમ આપીને સોમનાથ મહાદેવને અર્પણ થતા વસ્ત્રોમાંથી 'વસ્ત્ર પ્રસાદ' નિર્માણ કરાવવામાં આવે છે.પૂજ્ય મોરારીબાપુએ બહેનો દ્વારા તૈયાર કરાયેલ વસ્ત્ર પ્રસાદનું નિદર્શન કરી હર્ષની લાગણી અને આદરભાવ વ્યક્ત કર્યો હતો. ટ્રસ્ટના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ શ્રદ્ધા, કલા અને રોજગારીની પહેલ પ્રત્યે તેમણે પ્રશંસા કરી હતી.મહાદેવને અર્પણ કરેલ પાઘ અને પીતાંબરમાંથી ઝભ્ભા, તોરણ, ચાકડા, ટોડલા અને આસન જેવી સામગ્રી બનાવવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 21,000 જેટલા વસ્ત્રોનું વિતરણ કરાયું છે.
આ વસ્ત્ર પ્રસાદ સમયાંતરે રાજ્યના વૃદ્ધાશ્રમો, દિવ્યાંગગૃહો અને ટ્રાઈબલ બેલ્ટના જિલ્લાઓમાં વિનામૂલ્યે વિતરિત કરવામાં આવે છે.સખીમંડળની બહેનો આ તાલીમ અને રોજગારી દ્વારા આત્મનિર્ભર બનીને લખપતિ દીદી બની રહી છે. ભક્તો માટે ટ્રસ્ટની વેબસાઇટ somnath.org અને સોમનાથ ખાતેના સોવેનિયર કાઉન્ટર પર આ વસ્ત્ર પ્રસાદ અને સુશોભન પ્રસાદ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
