સુરતમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં છવાયો આદિવાસી સંસ્કૃતિનો વૈભવ
Live TV
-
ગુજરાતના સ્થાપના દિવસના પાવન પર્વે સુરત ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન-2026’માં આદિવાસી સંસ્કૃતિ અને હસ્તકલાનો અનોખો વૈભવ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લા મૂકવામાં આવેલા આ પ્રદર્શનમાં રાજ્યના આદિવાસી કલાકારોની કૃતિઓ અને વનૌષધિઓએ શહેરીજનોનું મન મોહી લીધું હતું.
આર્થિક ઉત્થાન: કોઈપણ ખર્ચ વિના કલાકારોને મળી સીધી આવક
આ એક્ઝિબિશનમાં આદિવાસી હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનો માટે ખાસ ૨૫ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા. માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં (1થી 5 મે) આ સ્ટોલ્સ પરથી રૂ. 5.31 લાખથી વધુની ચીજવસ્તુઓનું વેચાણ થયું હતું. આ પ્રોજેક્ટની ખાસ વાત એ હતી કે વેચાણની તમામ આવક કોઈપણ કપાત કે ખર્ચ વિના સીધી જ આદિવાસી હસ્તકલાકારોને પ્રાપ્ત થઈ છે.- બાંબુ આર્ટિફેક્ટ્સ અને વનૌષધિઓ બન્યા આકર્ષણનું કેન્દ્ર
- પ્રદર્શનમાં વિવિધ જિલ્લાઓના 37 જેટલા કુશળ આદિવાસી કલાકારો સહભાગી થયા હતા. જેમાં મુખ્યત્વે:
- બાંબુ હસ્તકલા અને લાકડાના આર્ટિફેક્ટ્સ
- પરંપરાગત આભૂષણો અને હેન્ડલૂમ વસ્ત્રો
- શુદ્ધ વનૌષધિઓ અને પ્રાકૃતિક ખાદ્ય વાનગીઓ
આ તમામ ચીજવસ્તુઓ મુલાકાતીઓ અને વિદેશી ડેલિગેટ્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
સરકારનું પ્રોત્સાહન અને મહાનુભાવોની ઉપસ્થિતિ
આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના નેતૃત્વમાં આયોજિત આ પહેલનો હેતુ આદિવાસી સમુદાયને આર્થિક અને સામાજિક રીતે સદ્ધર કરવાનો છે. રાજ્ય સરકાર દ્વારા આ કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે તેમના રહેવા-જમવાનો અને પરિવહનનો તમામ ખર્ચ ભોગવવામાં આવ્યો હતો.મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મહાનુભાવોએ આ સ્ટોલ્સની મુલાકાત લઈ કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમ દરમિયાન પેનલ ડિસ્કશનમાં ડૉ. સી.સી. ચૌધરીએ આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રવાસનની તકો વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
