સુરતમાં વિકસિત ભારત સંવાદ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિ
Live TV
-
સુરતના કામરેજ રોડ, વાલક પાટીયા સ્થિત જમનાબા વિદ્યાર્થી ભવનના કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા વિકસિત ભારત સંવાદ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગકારોને પ્રેઝન્ટેશન મારફતે સંબોધતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, 'વિકસિત ભારત-2047' એ માત્ર એક વિઝન નથી, પરંતુ ભારતને વિશ્વની અગ્રણી અને વિકસિત અર્થવ્યવસ્થા તરીકે સ્થાપિત કરવાનો દેશનો રાષ્ટ્રીય સંકલ્પ છે. છેલ્લા એક દાયકામાં હાથ ધરાયેલી ડિજિટલ ક્રાંતિ, માળખાગત સુવિધાઓમાં અભૂતપૂર્વ રોકાણ, સામાજિક સુરક્ષાના વિસ્તરણ અને ઉદ્યોગલક્ષી નીતિગત સુધારાઓના કારણે દેશની વિકાસયાત્રાએ નવી ગતિ પ્રાપ્ત કરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, કેપિટલ એક્સપેન્ડિચરમાં થયેલો સાતત્યપૂર્ણ વધારો, આધુનિક પરિવહન વ્યવસ્થા, લોજિસ્ટિક્સ, સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ટેકનોલોજી ક્ષેત્રે થઈ રહેલાં રોકાણો ભારતના આર્થિક ભવિષ્યને નવી દિશા આપી રહ્યા છે. નીતિગત સુધારાના પરિણામે રોજગાર સર્જન વધ્યું છે અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસથી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થયો છે.
ઉદ્યોગજગતને આહ્વાન આપતા કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, વિકસિત ભારતનું નિર્માણ કેવળ સરકાર એકલી સાકાર કરી શકે નહીં. ઉદ્યોગજગત, યુવાનો, સ્ટાર્ટઅપ્સ અને સમાજના તમામ વર્ગોની સક્રિય ભાગીદારી જ આ અભિયાનની ખરી શક્તિ છે. નવીનતા (Innovation), રોકાણ, રોજગાર સર્જન અને જવાબદાર ઉદ્યોગસંસ્કૃતિ અપનાવીને 2047 સુધીમાં સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારત બનાવી શકાશે.
દરેક નાગરિકનું સ્વાસ્થ્ય અને સુરક્ષા વિકસિત ભારતનો પાયો: પ્રફુલ પાનશેરિયા
આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, દેશનો દરેક નાગરિક સ્વસ્થ, સશક્ત અને સુરક્ષિત હશે ત્યારે જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકશે. આયુષ્માન ભારત જેવી કલ્યાણકારી યોજનાઓ અને આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ થકી છેવાડાના સામાન્ય નાગરિક સુધી ગુણવત્તાસભર સારવાર પહોંચાડાઈ રહી છે. આરોગ્ય ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી અને જનભાગીદારી વધારીને ‘સ્વસ્થ ભારત’ તરફ કદમ વધારવામાં આવી રહ્યા છે.આ સંવાદ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ બલર, પ્રવિણભાઈ ઘોઘારી, દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઇ જીરા, પૂર્વ મેયર દક્ષેશભાઇ માવાણી, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા, ઉપપ્રમુખ સવજીભાઈ વેકરિયા, ખજાનચી અરવિંદભાઈ ધડુક તથા સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
