'સુરત' દેશમાં જળ સંચય અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નવું મોડેલ બનશે: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ
Live TV
-
સુરત મહાનગરપાલિકા ટ્રીટેડ પાણીના વેચાણ દ્વારા વાર્ષિક 300-350 કરોડની કમાણી કરી રહી છે.
સુરતમાં 'વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે ગુજરાતની વિકાસયાત્રા અને સુરતના વૈશ્વિક યોગદાનની પ્રશંસા કરી હતી. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સુરતના હજીરા સ્થિત L&T પ્લાન્ટમાં નિર્મિત તોપો આજે દેશની સરહદોનું રક્ષણ કરી રહી છે. સ્વદેશી ટેકનોલોજીથી બનેલી આ તોપો 40 કિમી દૂરના નિશાનને સચોટ રીતે વીંધી શકે છે. તેમજ ચેનાબ બ્રિજમાં વપરાયેલું સ્વદેશી સ્ટીલ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે.
દેશની પાણીની જરૂરિયાત અને સંગ્રહ ક્ષમતા વચ્ચેના તફાવત પર ભાર મૂકતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીનાં 'કર્મભૂમિથી માતૃભૂમિ' આહ્વાન હેઠળ જનભાગીદારીથી 70 લાખથી વધુ જળ સંગ્રહના સ્ટ્રક્ચર તૈયાર થયા છે. સુરત મહાનગરપાલિકા ટ્રીટેડ પાણીના વેચાણ દ્વારા વાર્ષિક 300-350 કરોડની કમાણી કરી રહી છે, જે અન્ય પાલિકાઓ માટે ઉદાહરણ છે. સુરતની આગામી 50 વર્ષની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે 'તાપી બેરેજ' પ્રોજેક્ટ અને દરિયામાં ગંદા પાણીના નિકાલ માટે 5000 કરોડની 'ડીપ સી' યોજનાને મંજૂરી આપવામાં આવી હોવાનું પણ ઉમેર્યું હતું.
સુરત મહાનગરપાલિકાનું નવું 29 માળનું ભવન દુનિયાનું સૌથી ઊંચું મ્યુનિસિપલ બિલ્ડિંગ બનશે. અંદાજે 1000 કરોડના ખર્ચે બની રહેલા આ સંકુલમાં તમામ સરકારી કચેરીઓ એક જ છત નીચે આવશે અને તે દેશમાં સૌથી વધુ પાર્કિંગ ક્ષમતા ધરાવતું સરકારી મકાન હશે. સી.આર. પાટીલે સુરતીઓની ખુમારીની પ્રશંસા કરતા કહ્યું કે પૂર હોય કે પ્લેગ, સુરત હંમેશા પોતાની મેળે બેઠું થઈને દોડતું થયું છે. 'વાઈબ્રન્ટ ગુજરાત વિઝન-2047' અંતર્ગત ગુજરાત ભારતની પ્રગતિનું એન્જિન બની રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
