મુખ્યમંત્રીની રવાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનર સાથે મુલાકાત
Live TV
-
રવાન્ડા અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક અને પીપલ-ટુ-પીપલ કનેકટ વધુ સ્ટ્રોંગ છેઃ રવાન્ડાના જેકલીન મુકાંગિરા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં દક્ષિણ ગુજરાત ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા રવાન્ડા દેશના ભારત સ્થિત હાઈ કમિશનર જેકલીન મુકાંગિરા સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન રવાન્ડાના ભારત સ્થિત હાઈ કમીશનર મહામહિમ જેકલીન મુકાંગિરાએ વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુકાંગિરાએ કહ્યું હતું કે, રવાન્ડા ભારતનો મહત્વપૂર્ણ ભાગીદાર દેશ છે. આ દ્વિપક્ષીય સંબંધોના કારણે ગુજરાત અને રવાન્ડા વચ્ચે સક્રિય વેપાર સંબંધો પણ વિકસ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રવાન્ડા ભારતમાંથી ટેક્સટાઇલ, મસાલા અને ખાંડ જેવા ઉત્પાદનો આયાત કરે છે. રવાન્ડામાં કાર્યરત ભારતીય ઉદ્યોગોમાં મોટાભાગના વ્યવસાયો ગુજરાતીઓ દ્વારા સંચાલિત હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે બંને પ્રદેશો વચ્ચે સાંસ્કૃતિક અને પીપલ-ટુ-પીપલ કનેકટ પણ વધુ સ્ટ્રોંગ થયો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું ગુજરાતનું પ્રતિનિધિમંડળ રવાન્ડાની મુલાકાત લઈને બંને પ્રદેશોના પરસ્પર સહકારને વધુ વિસ્તૃત કરવાના નવી તકો અંગે વિચારણા કરે. VGRCમાં રવાન્ડા પણ પાર્ટનર કન્ટ્રી છે તે માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત સમયે મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, ઉર્જા વિભાગના અગ્ર સચિવ, મુખ્યમંત્રીના સચિવ ડૉ. અજય કુમાર તેમજ રવાન્ડાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.
