સુરેન્દ્રનગર: પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની લીધી મુલાકાત
Live TV
-
ગ્રામ્ય વિસ્તારોના પીવાના પાણી તેમજ સૌની યોજના અંતર્ગત હાથ ધરાયેલ કામગીરી સંદર્ભે પ્રભારી મંત્રીએ પ્રશ્ન નિવારણ બેઠકની અધ્યક્ષતા કરી
રાજ્યના પાણી પુરવઠા મંત્રી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગઈકાલે ચોટીલા તાલુકાના રામપરા, કાબરણ, મહિદળ અને ચાણપા ગામોની મુલાકાત કરી હતી. આ દરમિયાન તાલુકાના અંતરિયાળ ગામોમાં સ્થિત પાણીના સંપની મુલાકાત લઈ જાત ચકાસણી કરી હતી. તેમણે આ તકે લોકોના પીવાના પાણી સહિતના પ્રશ્નોનું નિવારણ લાવવા સ્થાનિક અધિકારીઓની ઉપસ્થિતિમાં એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ બેઠકમાં રામપરા તેમજ આસપાસના ગામડાઓમાં ઉદ્દભવતા પાણી અંગેના પ્રશ્નો મંત્રીએ સહ્રદયતાથી સાંભળી તેની વિસ્તારથી ચર્ચા કર્યા બાદ, વહેલામાં વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. મંત્રીએ લોકોની પીવાના પાણીની તકલીફને ધ્યાને લઈ સબંધિત અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરી તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, ‘‘ગામના મૂળમાં રહેલા અગત્યના પ્રશ્નોનું નિરાકરણ લાવવા આજે સરકાર તમારા ઘર આંગણે આવી છે”.
મંત્રીએ કાબરણ, મહિદળ અને ચાણપા ગામોમાં સ્થિત પાણીના સંપો તેમજ હેડવર્કસની જાત મુલાકાત કરી, ત્યાં સંપ ખાતે ઉદ્દભવતા વિવિધ પ્રશ્નો અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ઉપરાંત ચાણપા હેડવર્કસ ખાતે ચોટીલા, થાન અને મુળી વિસ્તારના પાણીના પ્રશ્નો અંગે સ્થાનિક આગેવાનો તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ સાથે એક બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો દ્વારા તેમના વિસ્તારમાં પાણીની મુશ્કેલી બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. જે સંદર્ભે મંત્રીએ આ તમામ પ્રશ્નોને વહેલામાં વહેલી તકે નિવારવા પાણી પુરવઠાના અધિકારીઓને સૂચનો આપ્યા હતા.
