Skip to main content
Settings Settings for Dark

સેક્સ્ડ સીમેન ટેકનોલોજીથી ગુજરાતમાં 90% થી વધુ માદા બચ્ચાનો જન્મ, પશુપાલકોની આવક વધી

Live TV

X
  • પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોઇતા ગામના પશુપાલક તૌફિકભાઇ મોમિન પાસે 40 ગાયો અને 130 ભેંસો છે. રોજનું અંદાજિત 250 લીટર દૂધ ભરે છે. અત્યાર સુધી તેમને એ ચિંતા રહેતી કે, ગાય કે ભેંસ ગાભણ થાય ત્યારે જો પાડો કે વાછરડી આવશે તો તેનો ખર્ચ કેમ ઉપાડવો? પણ છેલ્લા થોડા સમયથી તેમની આ ચિંતા દૂર થઇ ગઇ છે. કેમ કે, તેમણે તેમના પશુઓમાં સેક્સ્ડ સીમેન ટેકનોલોજીની મદદથી કુત્રિમ બિજદાન કરાવ્યું અને તમામ છ ગાયોને માત્ર વાછરડીનો જ જન્મ થયો.  

    તૌફિકભાઇએ સેક્સ્ડ સીમેન ટેકનોલોજી વિશેનાં ફાયદા ગણાવતા કહ્યું કે, “સરકારની આ નવી ટેકનોલોજીનાં કારણે અમને ખુબ ફાયદો થયો છે. પાડા અને વાછરડાનો જન્મ અટકી જતા નિભાવ ખર્ચ ઘટ્યો છે. આ ઉપરાંત પશુઓમાં દૂધ ઉત્પાદન વધ્યું અને માત્ર બે જ વર્ષમાં વાછરડી ફરી દૂધ આપતી થઇ જાય છે એટલે આવક પણ વધી છે. હવે હું આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરું છું.’’ 

    પાટણ ખાતે સ્થાપિત સીમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ
    ગુજરાત રાજ્યનાં પશુપાલન વિભાગ દ્વારા પાટણ ખાતે ‘ગુજરાત બોવાઇન સીમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ’ સ્થાપવામાં આવી છે. વર્ષ 2018-19 માં 8 લાખ સેક્સ્ડ સીમેન ડોઝના ઉત્પાદન માટેનાં પ્રોજેક્ટને ભારત સરકારે મંજૂરી આપી હતી, જેમાં 60 % કેન્દ્ર સરકારનો અને 40 % રાજ્ય સરકારનો હિસ્સો હતો. જૂન-2021 થી ‘ગુજરાત બોવાઇન સીમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ’ ખાતે સેક્સ્ડ સીમેન ડોઝનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું અને ફેબ્રુઆરી, 2026 સુધીમાં કુલ 8 લાખ સેક્સ્ડ સીમેન ડોઝનું ઉત્પાદન પૂર્ણ થયું હતું.

    ફેબ્રુઆરી-2026 સુધી પશુપાલન ખાતાની ક્ષેત્રિય કચેરીઓ દ્વારા કુલ 3.41 લાખ ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાંથી  63,439 પશુઓ ગાભણ થયા હતા. ગાભણ પશુઓ પૈકી 37,469  બચ્ચાઓનો જન્મ થયો હતો, જે પૈકી માત્ર 3,285  નર બચ્ચાઓ હતા અને બાકીનાં તમામ એટલે કે 34,184  માદા (પાડી કે વાછરડી) હતા. એટલે કે, આશરે 91.23 % માદા બચ્ચાનો જન્મ નોંધાયો છે, જે આ ટેકનોલોજીની સફળતા સાબિત કરે છે. 

    સેક્સ્ડ સીમેન એક એવી ટેકનોલોજી છે, જે પશુ સંવર્ધન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. એટલે કે, પશુપાલક જો ઇચ્છે કે, તેની ગાય કે ભેંસને માદા બચ્ચુ જ જન્મે તો એ હવે શક્ય બન્યું છે. 

    સેક્સ્ડ સીમેન એટલે શું?
    કુદરતી રીતે નરના વિર્યમાં બે પ્રકારના રંગસૂત્ર ધરાવતા શુક્રાણુઓ હોય છે- “X” અને “Y”.
    • “Y” રંગસૂત્રથી નર બચ્ચાનો જન્મ થાય છે.
    • “X” રંગસૂત્રથી માદા બચ્ચાનો જન્મ થાય છે.

    સામાન્ય સ્થિતિમાં બંનેનું પ્રમાણ લગભગ સમાન હોવાથી નર કે માદા બચ્ચા જન્મવાની સંભાવના 50-50  ટકા રહે છે. પરંતુ સેક્સ્ડ સીમેન ટેકનોલોજી દ્વારા “X” અથવા “Y” શુક્રાણુઓને વૈજ્ઞાનિક રીતે અલગ/નિષ્ક્રિય કરીને આશરે 90 % સુધીની ચોકસાઈ સાથે માદા બચ્ચા પ્રાપ્ત કરી શકાય તે મુજબના ફ્રોઝન સીમેન ડોઝ બનાવવામાં આવે છે. ખાસ કરીને માદા બચ્ચાનો જન્મ વધારવા માટે આ તકનિક અત્યંત ઉપયોગી છે.

    સેક્સ્ડ સીમેનના ઉપયોગથી મુખ્યત્વે માદા બચ્ચાનો જન્મ થાય છે, જેના કારણે નર પાછાળ ખાણ-દાણ અને ઘાસચારાનો ખર્ચ કરવો પડતો નથી. જ્યારે માદા જન્મે એટલે થોડા જ વર્ષોમાં દૂધ ઉત્પાદન વધે છે. આ ઉપરાંત, બહારથી નવી ગાય કે ભેંસ ખરીવદવાની જરૂર પડતી નથી. જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય ઓછો થાય છે. પશુપાલક વધારાની વાછરડીઓ વેચીને પણ આવક પણ મેળવી શકે છે. આ ટેકનોલોજીથી પશુ ઓલાદ સુધારણા ઝડપી થાય છે.  આ ઉપરાંત પશુ સંવર્ધન ક્ષેત્રની આધુનિક પ્રજનન તકનીકો જેવી કે પ્રોજેની ટેસ્ટીંગ (P.T.), એમ્બ્રીયો ટ્રાન્સફર (E.T.) અને ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશન (I.V.F.) કાર્યક્રમોની કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે. 

    રાજ્ય સરકારને સેક્સ્ડ સીમેન ડોઝનો ઉત્પાદન ખર્ચ રૂ. 710/- પ્રતિ ડોઝ હતો જેની સામે પશુપાલકોને આ અધ્યતન ટેકનોલોજીનો લાભ મળે તે માટે પશુપાલકો પાસેથી પ્રતિ ડોઝ રૂ. 300 લેવામાં આવતો હતો. જેને વધુ ઘટાડી હવે માત્ર રૂ. 50 પ્રતિ ડોઝ કરવામાં આવ્યો છે.  પશુપાલકો હવે પશુપાલન ખાતાની ક્ષેત્રિય કચેરીઓ મારફતે માત્ર રૂ. 50 પ્રતિ ડોઝ ચૂકવી પોતાના પશુઓમાં સેક્સ્ડ સીમેનથી કૃત્રિમ બીજદાનની સેવાઓ મેળવી શકે છે. 

    રાજ્યના દૂધ સંઘો દ્વારા પણ સેક્સ્ડ સીમેન ડોઝનું ઉત્પાદન કરી નજીવી કિંમતે પશુપાલકોને કૃત્રિમ બીજાદાનની સેવાઓ આપવામાં આવે છે. વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતના વિવિધ દૂધ સંઘો દ્વારા 7.09 લાખ સેક્સ્ડ ફ્રોઝન સીમેન ડોઝનું ઉત્પાદન કરી સભાસદ પશુપાલકોના પશુઓમાં 3.35 લાખ બીજદાન કર્યું છે. આ પૈકી 52,246  પશુઓ ગાભણ થયા હતા. ગાભણ પશુઓ પૈકી 30, 719 વિયાણ થયા હતા. જેમાંથી 24, 968 જેટલા એટલે કે 81 % માદા બચ્ચાઓનો જન્મ થયો હતો.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply