સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીની 172મી જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
Live TV
-
ભારતના સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ શમશુદ્દીન તૈયબજીની આજે 172 મી જન્મ જયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભાના સચિવ ચેતન પંડ્યા દ્વારા વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.
આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ વિધાનસભા સચિવ ચેતન પંડ્યાના હસ્તે એસ.વી.અંગ્રેજી મીડિયમ શાળાના વિદ્યાથીઓ- શિક્ષકોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે વિધાનસભાના સંયુક્ત સચિવ રિટા મહેતા,નાયબ સચિવ સર્વે હર્ષિલ પટેલ, ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓ- કર્મચારીઓ તેમજ ગાંધીનગરની એસ.વી.અંગ્રેજી મીડિયમના વિદ્યાથીઓ- શિક્ષકોએ તૈયબજીની પુષ્પ અર્પણ કર્યા હતા.
ધર્મપ્રેમી,પ્રામાણિક,ન્યાયી અને ખુદાની બંદગી કરનાર તૈયબજીનો જન્મ તા.1 ફેબ્રુઆરી 1854 ના રોજ વડોદરામાં થયો હતો. તેઓએ વર્ષ 1879 -1913 દરમિયાન 34 વર્ષ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરા રાજ્યમાં ન્યાય ખાતામાં સેવા આપી તેમજ સયાજીરાવ ગાયકવાડના અંગત મિત્ર બન્યા. વર્ષ 1919 માં જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપાસ સમિતિમાં ગાંધીજી દ્વારા તેમની પસંદગી કરવામાં આવી હતી. વર્ષ 1921માં 'ટિળક સ્વરાજ ફાળો' ઉઘરાવવામાં ખેડા જિલ્લાના રૂા.90 હજારના ફાળાની સામે રૂા.1.15 લાખનો ફાળો એકઠો કર્યો હતો. વર્ષ 1928ની 'ના-કર'ની લડતમાં સક્રિય થવાથી ધારાસણા સત્યાગ્રહમાં ધરપકડ થતાં છ માસની જેલ પણ થઇ હતી. તૈયબજીનું તા.9 મે 1936 ના રોજ વડોદરા ખાતે અવસાન થયું હતું.
