હરિયાણા વિધાનસભા અધ્યક્ષ હરવિંદર કલ્યાણે ગુજરાત વિધાનસભાની કરી મુલાકાત
Live TV
-
પેપરલેસ વિધાનસભા સંચાલનની કામગીરીથી પ્રભાવિત થઇ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને અભિનંદન પાઠવ્યા
હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણે આજે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી. ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવેલા હરિયાણા વિધાનસભા અધ્યક્ષનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભાની કામગીરી તથા તેના નિયમો ઉપરાંત ધારાસભ્યોને અપાતી વ્યવસ્થા-સુવિધા અંગે હરવિંદર કલ્યાણને વિગતો આપી હતી.
ગુજરાત વિધાનસભા મુલાકાત દરમિયાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા ગૃહમાં મંત્રીઓ અને ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા, પ્રેસ ગેલેરી, વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા સહિત સમગ્ર કામગીરી અંગે હરિયાણા વિધાનસભા અધ્યક્ષને માહિતગાર કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષ અને મંત્રીઓ સહીત ધારાસભ્યો ઓનલાઈન કઈ રીતે ભાગ લે છે તેનાથી અવગત કરાયા હતા.
હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણે ગુજરાત વિધાનસભાના NeVA સેવા કેન્દ્રની મુલાકાત કરી હતી. જેમાં તેમણે ગુજરાત વિધાનસભામાં ચાલતી પેપરલેસ કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી હતી. ગુજરાતની પેપરલેસ વિધાનસભા સંચાલન કામગીરીથી પ્રભાવિત થઇને તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, વિધાનસભાના સચિવ તેમજ સંલગ્ન અધિકારીઓને NeVA કેન્દ્રની સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
