૧૩ જિલ્લાઓમાં ૩૨૫ નવીન ટ્યુબવેલ સારવામાં આવી છે: ઋષિકેશ પટેલ
Live TV
-
ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલા આયોજન સંદર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે કુલ ૧૩ જિલ્લાઓમાં ૩૨૫ નવીન ટ્યુબવેલ સારવામાં આવી છે. રાજ્યના અગરિયાઓને દરિયા કાંઠે પાણી પુરું પાડવા માટે જરૂરિયાત જણાય તો ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
મંત્રીએ ઉમેર્યુ કે, પીવાના પાણીની ફરિયાદો મેળવવા માટે ટોલ ફ્રી નંબર ૧૯૧૬ કાર્યરત છે. જે ૨૪ કલાક ચાલુ રહે છે અને ફરિયાદ મળેથી ક્ષેત્રિય કચેરી દ્વારા તાત્કાલિક ફરિયાદનો નિકાલ થાય તેની તકેદારી લેવામાં આવે છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૨૬૬ જુથ યોજનાઓ અંતર્ગત નર્મદા આધારિત ગામો તથા અન્ય સરફેસ સોર્સ આધારિત ગામો મળીને કુલ ૧૪ હજાર ૪૬૦ ગામોને પાણી પુરવઠો અપાશે.
મંત્રીએ ઉમેર્યુ કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે પાણી પુરવઠા ગ્રીડ મારફત હાલ સરેરાશ ૧૯૫૦ એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવે છે. જે ઉનાળામાં જરૂરિયાત મુજબ ૨૨૦૦ થી ૨૩૦૦ એમ.એલ.ડી. સુધી વિતરણ કરવાનું આયોજન છે. તેવી જ રીતે દરિયા કાંઠાના ભાવનગર, ગિર સોમનાથ, અમરેલી જિલ્લા માટે બુધેલ થી બોરડા બલ્ક પાઇપલાઇનની યોજના તાજેતરમાં પુર્ણ કરવામાં આવી છે. જેના થકી આ વિસ્તારના ગામો તથા શહેરોને વધારાનું ૧૮૦ એમ.એલ.ડી. પાણી પુરું પાડી શકાશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, હેન્ડ પંપની મરામત અને નિભાવણી માટે ૧૪ જિલ્લાઓમાં ૧૮૭ જેટલી ટીમ નિયુક્ત કરવામાં આવી છે.
મંત્રીએ જળાશયોની સ્થિતિ અંગે માહિતી આપતાં ઉમેર્યુ કે, રાજ્યમાં સરદાર સરોવર સહિત કુલ ૧૧૧૬ બંધો આવેલા છે. જે પૈકી મધ્યમ અને મોટા કુલ ૨૦૭ બંધોમાં ૫૩ ટકા જળસંગ્રહ થયેલો છે. પીવાના પાણી માટે આરક્ષિત બંધની કુલ સંખ્યા ૭૩ છે. તેમાં ૫૦ ટકા જથ્થો ઉપલબ્ધ છે.