Skip to main content
Settings Settings for Dark

૩૧મી મે એ વિવિધ સમાજના દંપતિ દ્વારા નર્મદા જળ પૂજનથી જળ અભિયાનનું સમાપન.

Live TV

X
  • જળ અભિયાન સામાજિક સમરસતાનું મહાઅભિયાન બની રહેશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

    ગુજરાતમાં જન અભિયાનની જેમ હાથ ધરાયેલા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનું સમાપન ૩૧મી મે એ રાજ્યભરમાં વિવિધ સમાજના દંપતિના હસ્તે નર્મદા જળ પૂજનથી કરાશે. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, જળ અભિયાન આ રીતે સામાજિક સમરસતાનું પણ મહા અભિયાન બની રહેશે. તેમણે ભર ઉનાળામાં, ૪૫ ડિગ્રી ગરમીમાં પરસેવો પાડીને જળ અભિયાનમાં યોગદાન આપનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા.

    મુખ્યમંત્રી નિવાસસ્થાને ખાસ તૈયાર કરાયેલી કમાન્ડ કન્ટ્રોલ વોલ મારફતે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કુંવાસણા ગામના નાગરિકો, અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા લીલીયાના ગ્રામજનો, પંચમહાલ જિલ્લાના હાલોલ, આણંદ જિલ્લાના ચિખોદરા ગામના લોકો, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયાના ગ્રામજનો, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પેછડાલના ગ્રામીણ લોકો તથા ભરૂચ જિલ્લાના પારખેત ગામના સરપંચ અને લોકો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સીધી જ વાત કરીને સુજલામ્ સુફલામ્ જળ અભિયાનની કામગીરીની સમીક્ષા કરીને ગ્રામજનોના પ્રતિભાવો સાંભળ્યા હતા.

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગ્રામજનોના સંતોષ અને ગ્રામજનોએ વ્યક્ત કરેલી હર્ષની લાગણીને ધ્યાને લઇને પુન:પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કે, રાજ્ય સરકાર આગામી ત્રણ વર્ષ સુધી સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ચાલુ રખાશે. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ પણ સારું રહેશે એવો વરતારો છે ત્યારે રાજ્યમાં તળાવો-જળાશયો ઊંડા કરવાનું આ અભિયાન ખૂબ લાભદાયી પૂરવાર થશે. જે જિલ્લાઓમાં હજુ કામો ચાલી રહ્યા છે, તે ઝડપભેર પૂર્ણ કરવા તેમણે વહીવટીતંત્રને તાકીદ કરી હતી.

    વિડિયો કોન્ફરન્સ દરમિયાન ગ્રામજનોએ જળ અભિયાન અંતર્ગત થયેલા કામોથી બહુ જ સંતોષ હોવાની લાગણી વ્યક્ત કરીને આ યોજના કાયમ ચાલુ રાખવા વિનંતી કરી હતી. જળાશયોની માટી ખેડૂતોના ખેતરો માટે આપવામાં આવી રહી છે તેનો ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રતિભાવમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, માત્ર નર્મદાના પાણી પર આધાર રાખીને બેસવા કરતાં વરસાદી પાણીનો વધુ ને વધુ સંગ્રહ કરવાના શક્ય તમામ પ્રયત્નો કરવા જોઇએ. જળ અભિયાનથી જળાશયો, તળાવો, ચેકડેમો ભરાયેલા રહેશે તો પાણીના તળ ઊંચા આવશે. વરસાદ આવે તે પહેલાં આપણે આ કામ પૂરાં કરવાનાં છે.

    બનાસકાંઠા જિલ્લાના પેછડાલ ગામના નાગરિકોએ પોતાના આનંદની અભિવ્યક્તિ કરતાં રાજ્ય સરકારના આ કામને ‘ભગીરથ કાર્ય’ ગણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગત ચોમાસામાં પૂર વેળાએ બનાસકાંઠામાં એક અઠવાડીયું રહીને કરેલા કામોની સ્મૃતિ વાગોળતાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ કામથી ખેડૂતો ખૂબ રાજી છે. આવનારા દિવસો સારા હશે એવો શુભ સંકેત આપીને ગ્રામજનોએ આગોતરા આયોજનની પ્રશંસા કરી હતી.

    ૭ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ અને આગેવાન ગ્રામજનો સાથેની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિડિયો કોન્ફરન્સથી સીધી વાત વખતે સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો, નગરપાલિકાઓના પદાધિકારીઓ, તાલુકા-ગ્રામ પંચાયતોના સભ્યશ્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો અને આગેવાન નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ.કે.દાસ, સચિવ અશ્વિનીકુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply