૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫ની ગુજરાત કરશે યજમાની
Live TV
-
કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળ દ્વારા આગામી તા. ૨૪ થી ૨૮ માર્ચ-૨૦૨૫ દરમિયાન આયોજિત “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”ની ગુજરાત યજમાની કરશે. જેમાં વિવિધ ૨૭ રાજ્યોના ૫૭૨ રમતવીરો સહભાગી થશે.
આ સ્પર્ધાનો સમાપન સમારોહ ૨૮મી માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજાશે અને ઉદ્ઘાટન સમારોહ ગુજરાતના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની ઉપસ્થિતિમાં આગામી ૨૪મી માર્ચના રોજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે.
આ ચાર દિવસીય સ્પર્ધા દરમિયાન પ્રતિસ્પર્ધીઓ વચ્ચે વિવિધ એક્વેટીક્સ અને ક્રોસ કન્ટ્રી સહિતની ચાર સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત તા. ૨૬મી માર્ચના રોજ ચિલોડા રોડ, ગાંધીનગર ખાતે સ્થિત CRPF ગ્રુપ સેન્ટર ખાતે સંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, '૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫' સ્પર્ધામાં આંદામાન નિકોબાર પોલીસ, આંધ્રપ્રદેશ પોલીસ, આસામ પોલીસ અને આસામ રાઈફલ્સ, બોર્ડર સીકયોરીટી ફોર્સ, છત્તીસગઢ પોલીસ, સી.આઈ.એસ. એફ, સી.આર.પી.એફ, ગુજરાત પોલીસ, હરિયાણા પોલીસ, ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ, જમ્મુ- કાશ્મીર પોલીસ, ઝારખંડ પોલીસ, કર્ણાટક પોલીસ, કેરાલા અને મહારાષ્ટ્ર પોલીસ, એન.ડી.આર.એફ, ઓડીશા, રાજસ્થાન,તમિલનાડુ, ઉત્તરાખંડ, પશ્રિમ બંગાળ, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને પંજાબ પોલીસ, રેલ્વે પ્રોટેકશન ફોર્સ, એસ.એસ.બીના ૫૭૨ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ચાર રમતો યોજાશે જેમાં સાંઈ ખાતે સ્વીમીંગ અને વૉટર પોલો સ્પર્ધા, સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડાઈવીંગ સ્પર્ધા અને જી.સી.ગાંધીનગર ખાતે ૧૦ કિ.મી ક્રોસ કંન્ટ્રી રન યોજાશે.