16મી સિંહ વસ્તી અંદાજ–2025: ગુજરાતના 11 જિલ્લામાં સિંહ વસ્તી અંદાજની કામગીરી, ફોરેસ્ટ અધિકારી -સ્વંય સેવકો જોડાયા
Live TV
-
ગુજરાતના 11 જિલ્લામાં સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં વિવિધ અધિકારીઓ-કર્મચારીઓ અને સ્વંય સેવકો સહિત 511 જેટલા લોકો જોડાયા છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના ૧૧ જિલ્લાઓમાં તા.૧૦ થી ૧૩ મે-૨૦૨૫ દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઇ રહી છે. ધારી ગીર પૂર્વ વન વિભાગ (રિજિયન) અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં રિજનલ અધિકારી , ઝોનલ અધિકારી , ગણતરીકાર ઓબ્ઝર્વર સહિત ૫૧૧ સ્વંય સેવકઓ સહિતનાઓએ સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં જોડાઇને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો છે.
સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ આશરે ૩૫,૦૦૦ ચો. કિ.મી. નો વિસ્તાર કવર કરવામાં રાજયના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાઓના ૮ રિજિયન, ૩૨ ઝોન અને ૧૧૨ સબ ઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે. ૧૬મી સિંહ વસ્તી અંદાજ કામગીરી અન્વયે વન વિસ્તારમાં બીટ અને વન વિસ્તારની બહાર ૩-૧૦ ગામોનું જૂથ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે. અવલોકન રેકોર્ડિંગ માટે ૨૪ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી રહી છે.
ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિન્હો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, આ કામગીરીને લગતી જરુરી વિગતો પણ નોંધવામાં આવી રહી છે. જી.આઈ.એસ અને સ્ટેસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રિકરણ, સંકલન, નિષ્કર્ષણ, આલેખન કરવામાં આવી રહ્યુ છે. અંતે ડેટા વિશ્લેષણ બાદ સિંહની વસ્તીનો આખરી અંદાજ અહેવાલ તૈયાર થશે. ડેટા રેકોર્ડિંગ, GPS લોકેશન, ચિન્હો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.