212 કરોડના ખર્ચે મુજપૂર પાસે બનશે નવો ટુ લેન હાઇલેવલ પુલ, CMએ આપી મંજૂરી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો ટુ લેન પુલ બનાવવા માટેની માર્ગ અને મકાનને વહીવટી મંજૂરી આપી છે. આ પૂર પાદરા અને આંકલાવને જોડશે. દુર્ઘટનાગ્રસ્ત પુલની સમાંતર બનનારા આ નવા પુલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે કરી ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યાં નવો પુલ બનાવવાની કાર્યવાહી આદરવામાં આવી હતી.
એ દરમિયાન અહીં પુલ તૂટી પડવાની દુર્ઘટના બનતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પરિવહનથી જોડવા ઉપરાંત સ્થાનિકને રોજગારીના પ્રશ્નો, છાત્રોને આવાગમનના પ્રશ્નો સર્જાયા હતા. તેને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ તત્કાલ આ પુલ બનાવવાની મંજૂરી આપી છે.
માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર એન. વી. રાઠવાએ જણાવ્યું કે, મુજપૂર એપ્રોચ રોડ હાલમાં જે ટુ લેન છે, એને ફોર લેન કરી 7 મિટરનો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાઇવેથી પુલ સુધી પહોંચવાના 4.2 કિલોમિટર માર્ગને ફોર લેન કરવામાં આવશે.
દુર્ઘટનાગ્રસ્ત પુલની સમાંતર નવો ટુ લેન હાઇલેવલ પુલ બનાવવામાં આવશે. આ બન્ને કામ માટે મુખ્યમંત્રી દ્વારા રૂ.212 કરોડની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. પુલ બનાવવાની કામગીરી 18 માસમાં પૂર્ણ કરવામાં આવશે. એના ટેન્ડરિંગ પ્રક્રીયા પણ આરંભી દેવામાં આવી છે.
