6 જુલાઈએ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં 'સહકાર સે સમૃદ્ધિ' કાર્યક્રમ
Live TV
-
102માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિતે આગામી 6 જુલાઈના રોજ સવારે કેન્દ્રીય સહકારમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો 'સહકાર સે સમૃદ્ધિ' કાર્યક્રમ યોજાશે. રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ આપી જાણકારી. દેશમાં પ્રથમવાર ગુજરાતમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે આ કાર્યક્રમ. આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરમાંથી અંદાજે 5 હજારથી વધુ પ્રાઈમરીથી એપેક્ષ બોડીના સભ્યો, 200થી વધુ રાષ્ટ્રીયકક્ષાના સહકારના પ્રતિનિધિઓ, દૂધ મંડળીઓ-સંઘો, સહકારી બેંકો, APMC સહિત વિવિધ સહકારી ક્ષેત્રો સાથે જોડાયેલા સંગઠનો, આગેવાનો અને સભાસદો સહભાગી થશે.
આ કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરીને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજય પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ સહકાર સે સમૃદ્ધિની કાર્યક્રમની વધુ વિગતો આપતા કહ્યું હતું કે, સહકારથી સમૃદ્ધિ તેમજ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાના ઉમદા હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં 3 વર્ષ પહેલા દેશમાં પ્રથમવાર અલગ સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહને આ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. દેશમાં સહકારિતા મંત્રાલયના સફળતાપૂર્વક 3 વર્ષ નિમિતે ગુજરાતમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાનો સહકાર કાર્યક્રમની ઉજવણી કરાશે.
દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સહકારિતામાં એક એકરૂપતા લાવીને એકસમાન કામ કરવાના હેતુથી વિવિધ 17 ભાષાઓમાં મોડેલ બાય લોઝ તૈયાર કરવામાં આવ્યા છે. જેનો તમામ રાજ્યોએ સહર્ષ સ્વીકાર કર્યો છે જેના પરિણામે દેશના તમામ રાજ્યો સહકારિતા ક્ષેત્રમાં નવા નવા આયામો શરૂ કરવામાં આવ્યા છે. આજે સહકારિતાના અનેક ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે દેશના યુવાનો માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થઇ રહી છે.