AMCની સ્ટ્રીટ ફૂડમાં પારદર્શિતા અને ગુણવત્તા તરફ વધુ મોટું પગલું, જાણો શું છે?
Live TV
-
QR કોડથી સ્ટ્રીટ ફૂડ વેન્ડરોનું મોનિટરિંગ અને નાગરિકોના ફીડબેકથી નક્કી થશે શ્રેષ્ઠ વેન્ડર... અમદાવાદમાં સ્ટ્રીટ ફૂડ વધુ સુરક્ષિત બનશે, 10 હજારથી વધુ વેન્ડરોનું QR કોડ રજિસ્ટ્રેશન, દર મહિને ટોપ 5 શ્રેષ્ઠ વેન્ડરોને કરવામાં આવશે સન્માનિત
સ્ટ્રીટ ફૂડ વેન્ડરોમાં સ્વચ્છતા, હાઇજીન અને ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા QR કોડ આધારિત રજિસ્ટ્રેશન અને ફીડબેક સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ વ્યવસ્થાના માધ્યમથી સ્ટ્રીટ ફૂડ વેન્ડરોની કામગીરીમાં પારદર્શિતા વધારવાની સાથે અસરકારક મોનિટરિંગ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરેલા QR કોડને સ્કેન કરીને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો સરળતાથી પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન સૌપ્રથમ વેન્ડરના વ્યવસાયના સ્થળનું GPS લોકેશન કેપ્ચર કરવામાં આવે છે, જેથી વેન્ડરના વ્યવસાયનું ચોક્કસ સ્થાન કોર્પોરેશનના ડેટાબેઝમાં નોંધાઈ શકે અને અસરકારક મોનિટરિંગ સુનિશ્ચિત થઈ શકે. ત્યારબાદ વેન્ડર દ્વારા પોતાનું નામ, મોબાઈલ નંબર, વ્યવસાયનું નામ, સરનામું, વોર્ડની વિગતો તેમજ અન્ય જરૂરી માહિતી ઓનલાઈન ફોર્મમાં દાખલ કરવામાં આવે છે. તમામ વિગતો પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. ત્યાર પછી સિસ્ટમ દ્વારા વેન્ડર માટે યુનિક QR કોડની PDF જનરેટ કરવામાં આવે છે. વેન્ડરે આ QR કોડની પ્રિન્ટ કાઢીને પોતાના વ્યવસાયના સ્થળે નાગરિકો સરળતાથી જોઈ શકે તેવા સ્થળે સ્પષ્ટ રીતે પ્રદર્શિત રાખવાની રહે છે. જો કોઈ વેન્ડરે અગાઉ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય, પરંતુ QR કોડની PDF ઉપલબ્ધ ન હોય અથવા ખોવાઈ ગઈ હોય, તો તે જ QR કોડ સ્કેન કરીને નોંધાયેલા મોબાઈલ નંબરના આધારે ફરીથી PDF મેળવી શકે છે.
વેન્ડરો દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલા QR કોડને નાગરિકો પણ સ્કેન કરી શકે છે. જેના દ્વારા તેઓ સંબંધિત વેન્ડરની વિગતો મેળવી શકે છે તેમજ સ્વચ્છતા, હાઇજીન અને ખાદ્ય સુરક્ષા અંગે પોતાનો પ્રતિસાદ આપી શકે છે. નાગરિકો તરફથી પ્રાપ્ત થતા પ્રતિસાદના આધારે કોર્પોરેશન દ્વારા નિયમિત મોનિટરિંગ હાથ ધરવામાં આવે છે અને જરૂર જણાય ત્યાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.
અત્યાર સુધી શહેરના વિવિધ ઝોનમાં 10,076થી વધુ સ્ટ્રીટ ફૂડ વેન્ડરોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. નાગરિકોના પ્રતિસાદના આધારે શ્રેષ્ઠ રેટિંગ મેળવનાર ટોપ-5 વેન્ડરોમાં ઉત્તર ઝોનના કુબેરનગર વિસ્તારમાં હરિયાળી પાન સેન્ટર પાસે આવેલ દિલીપ પકોડી સેન્ટર, પૂર્વ ઝોનમાં સોનીની ચાલી બ્રિજ પાસે આવેલ એવન બોમ્બે બિરયાની, દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર વિસ્તારમાં આકૃતિ શોપિંગ સેન્ટર પાસે આવેલ શર્મા સ્ટોલ, પૂર્વ ઝોનના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ પટેલ પાણીપુરી તેમજ દક્ષિણ ઝોનના વટવા વિસ્તારમાં દેવભૂમિ ચોકડી પાસે આવેલ જલારામ ફાસ્ટ ફૂડનો સમાવેશ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર મહિને શ્રેષ્ઠ રેટિંગ મેળવનારા સ્ટ્રીટ ફૂડ વેન્ડરોને બિરદાવવામાં આવશે, જેથી અન્ય વેન્ડરો પણ સ્વચ્છતા, ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાના ધોરણો જાળવવા માટે પ્રોત્સાહિત થાય.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હજુ સુધી રજિસ્ટ્રેશન ન કરાવનાર તમામ સ્ટ્રીટ ફૂડ વેન્ડરોને તાત્કાલિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા તેમજ રજિસ્ટ્રેશન બાદ પ્રાપ્ત થયેલા QR કોડને પોતાના વ્યવસાયના સ્થળે સ્પષ્ટ રીતે પ્રદર્શિત રાખવા અપીલ કરી છે, જેથી શહેરમાં સ્વચ્છ, સુરક્ષિત અને વિશ્વસનીય સ્ટ્રીટ ફૂડ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાય.
