ધોલેરા સરને ગ્રીન હબ બનાવવાનું લક્ષ્યાંક ધરાવતા 'ડ્રમ મેથડ' પ્લાન્ટેશન પ્રોજેક્ટની વન મંત્રીએ મુલાકાત લીધી
Live TV
-
ધોલેરામાં ક્ષારયુક્ત જમીન સામેની વૈજ્ઞાનિક જંગમાં 97 ટકા સર્વાઈવલ રેટ સાથે 29 હેક્ટરમાં હરિયાળી ક્રાંતિનું લક્ષ્ય, વન વિભાગની આધુનિક ટેકનોલોજીથી ગ્રીન બેલ્ટના વિકાસ કાર્યોની સમીક્ષા કરતા મંત્રી અર્જુન મોઢવાડિયા
ઔદ્યોગિક સ્માર્ટ સિટી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનને પર્યાવરણને અનુકૂળ અને ગ્રીન હબ બનાવવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયેલા સાયન્ટિફિક પ્લાન્ટેશન પ્રોજેક્ટની વન અને પર્યાવરણ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી.
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ વનીકરણ અભિયાનની પ્રગતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી વન વિભાગની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. વન વિભાગ દ્વારા કુલ 19.5 હેક્ટર વિસ્તારમાં પ્લાન્ટેશનની કામગીરી સંભાળવામાં આવી રહી છે, જેમાંથી અત્યાર સુધીમાં 10.5 હેક્ટરથી વધુ વિસ્તારમાં વિવિધ વૃક્ષોનું વાવેતર સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ મુલાકાત દરમિયાન મંત્રીએ કામની પ્રગતિ, પ્લાન્ટેશન અને વોટરિંગ સિસ્ટમ નિહાળી હતી.
ધોલેરાની ઉચ્ચ ક્ષારયુક્ત જમીન અને પાણીની અછત જેવા ભૌગોલિક પડકારો સામે છોડને બચાવવા માટે અહીં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ 'ડ્રમ મેથડ'નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પદ્ધતિમાં ભારે મજબૂતી ધરાવતા ડ્રમનો ઉપયોગ કરીને છોડના મૂળને દૂષિત માટીથી અલગ કરવામાં આવે છે અને 'મોઇશ્ચર રીટેન્શન ટેકનિક'થી ભેજ જાળવી રાખવામાં આવે છે. આ જ આધુનિક અભિગમના કારણે પ્લાન્ટેશનનો જીવંત રહેવાનો દર 94થી 97 ટકા જેટલો ઊંચો નોંધાયો છે, જે સામાન્ય વનીકરણ કરતા ઘણો વધારે છે.
પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક જૈવવિવિધતાને જાળવવા માટે આ પ્રોજેક્ટમાં માત્ર સ્થાનિક પ્રજાતિના વૃક્ષોને જ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં વડ, પીપળો, પારસ પીપળો, અર્જુન સાદડ, ગુલમહોર, કાંજી, ખાખરો, કેસુડો, ગુંદા અને ગુંદી જેવી 17 કરતાં વધુ દેશી પ્રજાતિઓનું વાવેતર થઈ રહ્યું છે. અર્જુન મોઢવાડિયાએ આ વૈજ્ઞાનિક મોડલને બિરદાવતા કહ્યું હતું કે, આ સુઆયોજિત વનીકરણ ધોલેરાના ગ્રીન ફ્યુચર માટે માઈલસ્ટોન સાબિત થશે.
આ મુલાકાત વેળાએ અમદાવાદના DCF ડૉ. મીનલ જાની, ધોલેરાના RFO પ્રકાશ દેસાઈ અને વન વિભાગની ટીમે હાજર રહીને ટેકનિકલ વિગતો પુરી પાડી હતી. આ સાથે જ તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય, સ્થાનિક સરપંચ તેમજ અન્ય તાલુકા પંચાયતના સભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
