Skip to main content
Settings Settings for Dark

મધ્ય ગુજરાત બન્યું વૈશ્વિક વેપાર અને નિકાસનું શક્તિશાળી કેન્દ્ર

Live TV

X
  • VGRC મધ્ય ગુજરાત 2026 પ્રદેશની ઔદ્યોગિક ક્ષમતા, વૈશ્વિક નિકાસ શક્તિ અને રોકાણ તકોને આપશે નવી દિશા... રૂપિયા 1.74 લાખ કરોડની નિકાસ સાથે પ્રદેશ બન્યો ગુજરાતના વિકાસ અને વૈશ્વિક વેપારનો મુખ્ય આધારસ્તંભ

    ગુજરાતના આર્થિક વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવતો મધ્ય ગુજરાત પ્રદેશ આજે વૈશ્વિક વેપાર અને નિકાસ ક્ષેત્રે પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરી રહ્યો છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – મધ્ય ગુજરાત, જે તારીખ 29 અને 30 જૂન દરમિયાન વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે યોજાશે....જે પ્રદેશની ઔદ્યોગિક શક્તિ, નિકાસ ક્ષમતા અને રોકાણલક્ષી સંભાવનાઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાનું મહત્ત્વપૂર્ણ મંચ બનશે.

    રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ રિજનલ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાવાર વિકાસની વિશેષતાઓને ઉજાગર કરવાનો, સ્થાનિક ઉદ્યોગોને નવી તકો સાથે જોડવાનો અને વૈશ્વિક રોકાણકારો સમક્ષ પ્રદેશની ક્ષમતાઓને રજૂ કરવાનો છે. સાથે જ, સ્થાનિક પડકારોને ઓળખી તેમના ઉકેલ માટે અસરકારક માર્ગદર્શન અને સહયોગનું માળખું ઊભું કરવાનો પ્રયાસ પણ કરવામાં આવશે.

    મધ્ય ગુજરાત પરંપરાગત રીતે ફાર્માસ્યુટિકલ્સ, બાયોટેકનોલોજી, એન્જિનિયરિંગ, રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ઓટોમોબાઇલ, IT અને નાણાકીય સેવાઓ જેવા ક્ષેત્રોમાં મજબૂત હાજરી ધરાવે છે. હવે આ પ્રદેશ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ તેમજ ગ્રીન એનર્જી જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં પણ ઝડપથી આગળ વધી રહ્યો છે. VGRC આ ઉભરતા ક્ષેત્રોમાં નવા રોકાણોને આકર્ષવા અને MSME, સ્ટાર્ટઅપ્સ તથા સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજારો સાથે જોડવા માટે સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડશે.

    નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન મધ્ય ગુજરાત પ્રદેશે વિશ્વના 210થી વધુ દેશોમાં આશરે રૂ. 1.74 લાખ કરોડના માલની નિકાસ કરીને પોતાની વૈશ્વિક વેપાર શક્તિનો પરિચય આપ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ આ પ્રદેશ માટે સૌથી મહત્ત્વપૂર્ણ નિકાસ બજારોમાંનું એક રહ્યું, જ્યાં લગભગ રૂ. 41,346 કરોડની નિકાસ નોંધાઈ હતી. નિકાસ ક્ષેત્રમાં ફાર્માસ્યુટિકલ્સ સૌથી અગ્રણી રહ્યા હતા, જેણે કુલ રૂપિયા 31,061 કરોડનું યોગદાન આપ્યું હતું. ભારે મશીનરી અને યાંત્રિક સાધનોની નિકાસ રૂપિયા 23,585 કરોડ, ઇલેક્ટ્રિકલ મશીનરી અને સાધનોની રૂપિયા 15,124 કરોડ, રોડ વાહનો અને તેના ભાગોની રૂપિયા 12,418 કરોડ તથા ઓર્ગેનિક કેમિકલ્સની રૂપિયા 12,248 કરોડની નિકાસ નોંધાઈ હતી. આ ઉપરાંત પ્લાસ્ટિક ઉત્પાદનો, લોખંડ અને સ્ટીલ આધારિત ઉત્પાદનો, રંગ અને રસાયણ ઉદ્યોગ, કપાસ અને કૃષિ આધારિત ઉત્પાદનો પણ નિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.

    જિલ્લાવાર નિકાસમાં અમદાવાદ પ્રદેશનું સૌથી મોટું યોગદાન રહ્યું છે. આશરે રૂપિયા 97,752 કરોડની નિકાસ સાથે અમદાવાદે પ્રદેશની કુલ નિકાસમાં 56 ટકા હિસ્સો નોંધાવ્યો છે. વડોદરાએ રૂપિયા 41,765 કરોડની નિકાસ કરીને મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ સાધનોના ઉત્પાદનમાં પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી છે. ગાંધીનગરે રૂપિયા 13,366 કરોડની નિકાસ સાથે પ્લાસ્ટિક, કપાસ અને સ્ટીલ આધારિત ઉત્પાદનોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

    પંચમહાલમાં રૂપિયા 11,707.90 કરોડની નિકાસમાં ફાર્માસ્યુટિકલ્સ અને ઇલેક્ટ્રિકલ સાધનો, આણંદમાં ડાઇંગ અને કલરિંગ મટિરિયલ, ખેડામાં પ્લાસ્ટિક, ઇલેક્ટ્રિકલ સાધનો અને ફૂડ પ્રોસેસિંગ, જ્યારે નર્મદામાં ફળો, બદામ, ખાંડ અને ફાર્મા ઉત્પાદનો મુખ્ય નિકાસ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યા છે. મહીસાગર ફાર્માસ્યુટિકલ્સ અને કોસ્મેટિક્સ ઉત્પાદનો માટે ઓળખાઈ રહ્યો છે, જ્યારે દાહોદ મસાલા અને અનાજની નિકાસમાં તથા છોટાઉદેપુર કપાસ અને રસાયણ આધારિત ઉત્પાદનોની નિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

    આ સમગ્ર વિકાસયાત્રાને પ્રદેશનું આધુનિક લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત આધાર પૂરું પાડે છે. ગુજરાતનો મોટો વિસ્તાર દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર (DMIC)ના પ્રભાવ ક્ષેત્રમાં આવતો હોવાથી ઉદ્યોગોને ઝડપી બજાર જોડાણ મળે છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) અને માંડલ-બેચરાજી SIR જેવા મેગા પ્રોજેક્ટ્સ નવા ઔદ્યોગિક વિકાસના કેન્દ્ર તરીકે વિકસી રહ્યા છે. ઉપરાંત, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર અમદાવાદ, વડોદરા અને આણંદ જેવા મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારોને દેશના મુખ્ય બંદરો સાથે ઝડપી અને કાર્યક્ષમ રીતે જોડે છે.

    ગુજરાત સરકારની નવી ઔદ્યોગિક અને ટેક્નોલોજી આધારિત વિકાસ દ્રષ્ટિ સાથે સુસંગત રીતે VGRC મધ્ય ગુજરાત 2026 પ્રદેશને નવા રોકાણો, આધુનિક ટેક્નોલોજી, વૈશ્વિક ભાગીદારી અને રોજગારીની તકો તરફ આગળ ધપાવશે. આ કોન્ફરન્સ માત્ર રોકાણ આકર્ષવાનો કાર્યક્રમ નહીં, પરંતુ મધ્ય ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન, નિકાસ અને નવીનતાના શક્તિશાળી કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply