DGP વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન, 31 ડિસેમ્બર સુધી કાર્યકાળ લંબાવાયો
Live TV
-
1989 બેચના IPS અધિકારી વિકાસ સહાય 30 જૂને વયનિવૃત્ત થવાના હતા, આ દરમિયાન સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો.
ગુજરાતના વર્તમાન પોલીસવડા (DGP) IPS વિકાસ સહાયને રાજ્ય સરકારે છ મહિનાનું એક્સટેન્શન આપવાનો મહત્ત્વપૂર્ણનો નિર્ણય લીધો છે. 1989 બેચના IPL અધિકારી વિકાસ સહાય 30 જૂને વયનિવૃત્ત થવાના હતા, ત્યારે આ એક્સટેન્શનના નિર્ણયથી તેઓ આગામી છ મહિના સુધી ગુજરાતના DGP પદ પર યથાવત રહેશે. આ એક્સટેન્શનના કારણે રાજ્યના નવા પોલીસવડા કોણ બનશે તે અંગે ચાલી રહેલી અટકળો પર હાલ પૂરતો વિરામ આવી ગયો છે. વિકાસ સહાયના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ દળ આગામી છ મહિના સુધી તેમની કામગીરી ચાલુ રાખશે.
IPS વિકાસ સહાય 30 જૂનના રોજ વયનિવૃત થવાના હતા, તેથી નવા DGP કોણ આવશે કે પછી એક્સટેન્શન મળશે તેવી આખો દિવસ ચર્ચાઓ ચાલી હતી. આખરે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, DGP વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે, ત્યારે તેમણે 1 જુલાઈથી 31 ડિસેમ્બર, 2025 સુધી રાજ્યના પોલીસ વડા તરીકે ફરજ બજાવશે.
વિકાસ સહાય કોણ છે ?
મળતી માહિતી મુજબ, વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે. તેમણે હૈદરાબાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાંથી તાલીમ મેળવી હતી. IPS વિકાસ સહાયે ગુજરાતમાં વિવિધ મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા બજાવી છે. જેમાં તેમણે અમદાવાદ શહેરના DCP ટ્રાફિક, એડિશનલ CP ટ્રાફિક જેવા અસંખ્ય મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપનામાં IPS વિકાસ સહાયની નોંધપાત્ર ભૂમિકા રહી છે.
