LRD મહિલા ભરતી સંદર્ભે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Live TV
-
LRD મહિલા ભરતી સંદર્ભે રાજ્ય સરકારનો મોટો નિર્ણય .50 ટકા ગુણાંક અને 62.5 ટકા મેળવ્યા હોય તેવી બહેનોને લાભ અપાશે - તા.1-8-2018ના પરિપત્રને ધ્યાનમાં લીધા સિવાય આ LRD ભરતી પ્રક્રિયામાં 1997થી જે પ્રમાણે મહિલા અનામત અપાતી હતી તેને અનુસરવામાં આવશે.
એલઆરડીની ભરતી મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે ગઇકાલે પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકારોને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 62.5 ટકા મેળવનાર તમામ મહિલાઓની ભરતી કરવામાં આવશે.મહત્વનું છે કે, આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય વચ્ચે બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગુજરાતમાં એલ.આર.ડી. મહિલા ભરતી સંદર્ભે ચાલી રહેલા વિવાદનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૌ સમાજ વર્ગોનું હિત સચવાય, ગુણવત્તા, લાયકાત ધરાવતી કોઇ બહેનોને અન્યાય ન થાય તેવો સુખદ નિર્ણય રાજય મંત્રી મંડળના મંત્રીઓ, પક્ષના પદાધિકારીઓ અને અનામત તથા બિનઅનામત વર્ગના તમામ અગ્રણીઓ સાથે વિષદ લંબાણ ચર્ચા-વિચારણા બાદ કર્યો છે તેમ જાહેર કર્યું છે. નાયબ મુખ્યમંત્રીએ આ નિણર્યની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં સમાજ-સમાજ વચ્ચે કોઇ વિખવાદ ન થાય, સામાજિક સદભાવ જળવાઇ રહે અને રાજયની શાંતિ-સલામતીને કોઇ અસર ન પહોંચે તથા ગુજરાત વિકાસની રાહ પર સતત આગળ વધતું રહે તેવી નેમ સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃવમાં આ સરકાર આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે, રાજય સરકાર યુવાનો-બહેનોને મોટા પાયે સરકારી નોકરીના અવસર મળે તે માટે પારદર્શી અને આયોજનબધ્ધ ભરતી કરતી રહી છે. આ ભરતીઓમાં મહિલા અનામતની ૩૩ ટકા જોગવાઇઓનું પણ પાલન થતું રહે છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, તાજેતરમાં એલ.આર.ડી. ભરતી બોર્ડ દ્રારા ભરતી પ્રક્રિયા કરવામાં આવી તેમાં રાજય સરકારના તા.1-8-2018 ના પરિપત્રને કારણે વિવાદ થયો તે અંગે અનામત અને બિનઅનામત વર્ગના સમાજ પ્રતિનિધિઓ-અગ્રણીઓ અને અસરકર્તા બહેનોએ રાજય સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી.
નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજય સરકાર માટે સાડા છ કરોડ ગુજરાતીઓનું હિત એક સમાન છે. કોઇપણ સમાજ વર્ગ-જ્ઞાતિ-જાતિ કે વર્ગને અન્યાય ન થાય તે રીતે પ્રજાને ઇશ્વર માનીને બધાને ન્યાય મળે, મેરીટના આધારે ભરતી અને સરકારી સેવાની તક મળે તે માટે આ સરકાર સંપૂર્ણ પ્રતિબધ્ધ છે. નાયબ મુખ્યમંત્રીએ એલ.આર.ડી. ભરતી અંગેના આ વિવાદના સમાધાનમાં સહયોગ આપનારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી, અનામત અને બિનઅનામત સમાજ વર્ગના અગ્રણીઓ, પક્ષના પદાધિકારીઓ પ્રત્યે હ્રદયપૂવર્કના આભારની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ગુજરાતમાં સૌ સમાજ વર્ગો સરકાર સાથે મળીને ખભે ખભો મીલાવીને ગુજરાતને વિકાસની ઉંચાઇઓ પાર કરાવી દેશમાં અગ્રીમ રાજય બનાવવા કાર્યરત છે તેમ પણ જણાવ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
