NFSU ગાંધીનગર ખાતે “Raise-2026- ફાર્મસી પ્લેસમેન્ટ ડ્રાઇવ”નો પ્રારંભ
Live TV
-
ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે “Raise-2026- ફાર્મસી પ્લેસમેન્ટ ડ્રાઇવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ રોજગાર મેળાનો શુભારંભ આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કરાવીને યુવા ફાર્માસિસ્ટોને પ્રોત્સાહિત કર્યા હતા. આ જોબ ફેરમાં રાજ્યભરમાંથી 1000 થી વધુ સ્નાતકો અને 50થી વધુ અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ ભાગ લઈ રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, ફાર્મસી ક્ષેત્રના વિદ્યાર્થીઓ છેતરપિંડીથી બચે તે માટે રાજ્ય સરકારે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સંદેશ પાઠવી આ પહેલને બિરદાવતા નોંધ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ગુજરાતનું યોગદાન દેશ અને દુનિયામાં અભૂતપૂર્વ છે.આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગૌરવભેર જણાવ્યું હતું કે, ભારતની ફાર્મા મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત 33 ટકા ફાળો આપે છે અને નિકાસમાં 28 ટકા સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. મંત્રીએ કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું કે, લાલચમાં આવીને નશાકારક કે ભેળસેળવાળી દવાઓ બનાવનારાઓને સરકાર ક્યારેય નહીં બક્ષે. તેમણે યુવાનોને સોશિયલ મીડિયાના અતિરેકથી બચીને ડિપ્રેશન જેવા માનસિક તણાવ સામે મજબૂત બનવા અને પ્રોફેશનલ લાઈફમાં 'કમ્ફર્ટ ઝોન' છોડવા શિખામણ આપી હતી.
જસુ ચૌધરી (વાઇસ પ્રેસિડેન્ટ, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા): ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દેશની સૌપ્રથમ સંપૂર્ણ પેપરલેસ અને ઓનલાઇન સંસ્થા બની છે, જ્યાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા માત્ર 15 મિનિટમાં પૂર્ણ થાય છે. ઉપરાંત ‘કાઉન્સિલ આપના દ્વારે’ અભિયાન હેઠળ કોલેજોમાં રૂબરૂ જઈને ઓન-સ્પોટ રજીસ્ટ્રેશન કરાય છે. ‘ઇન્સ્ટિટ્યુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ’ ધરાવતી NFSU ના હાલ ભારતમાં 14 અને યુગાન્ડામાં 1 આંતરરાષ્ટ્રીય કેમ્પસ કાર્યરત છે. તેમણે યુવાનોને જીવનમાં '4D' (Determination, Discipline, Dedication, Devotion) અપનાવવા પ્રેરણા આપી હતી.
