પંચમહાલની બે ગૃહિણીઓની રસોડાથી ગ્લોબલ માર્કેટ સુધીની સફર: સરકારી સહાયથી શરૂ કર્યું કરોડોનું ટર્નઓવર
Live TV
-
જ્યારે ઈરાદા નેક હોય ત્યારે આપત્તિને પણ અવસરમાં બદલી શકાય છે, તે પંચમહાલ જિલ્લાની બે મહિલાઓ શીતલબેન પી. મહેતા અને ગીતાબેન સિણોજીયાએ સાબિત કરી બતાવ્યું છે.
વર્ષ 2021 માં કોવિડ-19 મહામારીના આર્થિક સંકટ સમયે આ બંને ગૃહિણીઓએ મર્યાદિત મૂડી સાથે કંઈક નવું કરવાનો મક્કમ નિર્ણય કર્યો, જેમાં ગુજરાત સરકાર તેમનું પીઠબળ બની હતી.
ગુજરાત સરકારના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), ગોધરાના માર્ગદર્શન હેઠળ ઇન્ટરેસ્ટ સબસીડી (વ્યાજ સહાય) યોજના અન્વયે આ બહેનોને રૂ. 1 કરોડ 10 લાખની માતબર આર્થિક સહાય મંજૂર કરવામાં આવી હતી. આ આર્થિક ટેકાના આધારે તેમણે હેલ્ધી ફૂડ પ્રોડક્ટ્સ બનાવતી કંપની 'મધુરમ એક્સપોર્ટ્સ' નો મજબૂત પાયો નાખ્યો.કંપની દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આર્ટિફિશિયલ કલર, કેમિકલ કે પ્રિઝર્વેટિવ્સ વગરના રોસ્ટેડ સીડ્સ, બીન્સ, બેરીઝ અને નટ્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેની આજે વૈશ્વિક બજારમાં ભારે માંગ છે.'મધુરમ એક્સપોર્ટ્સ' ભારત સરકાર માન્ય 'ZED સર્ટિફાઈડ' (Zero Defect, Zero Effect) ઉત્પાદક છે, જે દર્શાવે છે કે તેમની ઉત્પાદન પ્રક્રિયાથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. મહિલા સશક્તિકરણ અને 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરનારી આ બંને બહેનોને સરકાર દ્વારા 'સ્વાવલંબી મહિલા એવોર્ડ ૨૦૨૩-૨૪' થી નવાજવામાં આવ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાતના આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચેલી પંચમહાલની આ દીકરીઓની સાફલ્ય ગાથા આજે અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
