અમદાવાદઃ દિવાળીમાં ઇમર્જન્સી બનાવોને પહોંચા વળવા ડોક્ટર ઓન કોલ સેવા શરૂ કરાઈ
Live TV
-
અમદાવાદઃ દિવાળીમાં ઇમર્જન્સી બનાવોને પહોંચા વળવા ડોક્ટર ઓન કોલ સેવા શરૂ કરાઈ
દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ફટાકડાના કારણે આગના બનાવો બનતા હોય છે. તો કેટલાક ફટાકડાથી દાઝી જવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. આવી અનેક મેડિકલ ઇમર્જન્સીને નિવારવા માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટર ઓન કોલ સેવા શરૂ કરાઈ છે. 108 ની જેમ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા દિવાળીના પર્વને લઈને ડોક્ટર ઓન કોલ સેવા ચાલુ રાખવામાં આવશે. છેલ્લા દસ-બાર વર્ષથી AMA દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડોક્ટર ઓન કોલની સેવા ચાલુ રાખવામાં આવશે જેનું અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીમાં ઇમર્જન્સી આવે તો તાત્કાલિક પ્રાઇમરી સારવાર મળી રહે તે માટે ડોક્ટર ઓન કોલની સેવા પાંચ દિવસ દિવાળીના પર્વમાં તેનાત રહેશે. દર્દીને તકલીફ ન પડે અને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સેવાભાવી 52 તબીબો AMA સાથે જોડાયા છે. 11 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી આ અભિયાન ચાલુ રાખવામાં આવશે. આ અભિયાનમાં 52 જેટલા નિષ્ણાંત તબીબો જોડાયા છે જેમાં મેડિકલના દરેક ક્ષેત્ર જેમ કે સર્જન, ઓર્થોપેડિક સહિતના તમામ વિભાગના તબીબો સેવા આપવા હાજર રહેશે. અમદાવાદ શહેરના તમામ બ્રાન્ચના ડોક્ટરોનું ફોન નું લિસ્ટ AMAની વેબસાઈટ ઉપર જોવા મળી રહેશે.