આદર્શ ગામનો દરજ્જો મેળવતું ભરૂચનું કોરોના મુક્ત કરમાલી ગામ
Live TV
-
કોરોનાએ વિશ્વ સ્તરે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરનું કરમાલી ગામ બીજી લહેરમાં પણ અડીખમ રહ્યું છે. મહિલા સરપંચ સલમાબહેન તેમજ તલાટી પાર્વતીબેન પટેલિયાની આગેવાનીમાં ગ્રામજનોને કોરોના સંક્રમણ અંગે પૂર્ણ સમજણ આપવામાં આવી હતી. કોરોના ગામમાં ના ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે ગ્રામજનોમાં જાગૃતિ આણવામાં આવી. કરમાલી ગામની વસ્તી 950ની છે અને જેમાં 250 મકાનનો સમાવેશ થાય છે. ટી.ડી.ઓ રજનીકાંત મણિયારના જણાવ્યાં મુજબ સાવચેતી માટે આ ગામના વ્યક્તિઓને બહાર જવાની અને બહારના વ્યક્તિઓને ગામમાં પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.
આ ગામે દસ વ્યક્તિઓની કમિટી બનાવી તેમને જ જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવવા માટે કામગીરી સોંપી હતી જે કોવિડને ગામમાં પ્રવેશવા ના દેવા માટેની એક ઉમદા કામગીરી કહી શકાય. આવા આયોજનના ભાગરૂપે જ આ ગામ કોરોના મુક્ત રહેવામાં સફળ રહ્યું.