કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી સદાનંદ ગૌડા તથા રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રોગપ્રતિકારક શક્તિ વર્ધક અને પોષકતત્વો યુક્ત ૮ પ્રકારના ઉત્પાદનો લોન્ચ કર્યા
Live TV
-
આ સસ્તા અને લાભદાયક ઉત્પાદનો હવે જનઔષધિ કેન્દ્ર પર મળશે, પ્રોટીન પાવડર, પ્રોટીન બાર અને ધાત્રી માતાઓ માટે પૂરક પોષકતત્વો યુક્ત સપ્લિમેન્ટ પાવડર હવે સસ્તા દરે જાહેર જનતા માટે ઉપલબ્ધ બનશે.
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી સદાનંદ ગૌડા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) અંતર્ગત ૮ પ્રકારના રોગપ્રતિકારક શક્તિ વર્ધક અને પૌષ્ટિક ઔષધીય (ન્યુટ્રાસ્યુટિકલ) ઉત્પાદનો લોન્ચ કર્યા.
તાજેતરના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પોષણ અને યોગ્ય પોષકતત્વોના મહત્વ વિશે વાત કરી હતી. ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરિયોજના (PMBJP)’નાં આ ઉત્પાદનો એ સમાન લક્ષ્ય પ્રાપ્ત કરવાના ભાગરૂપ છે.ઉત્પાદનોના લોન્ચ દરમિયાન શ્રી મનસુખ માંડવિયા જણાવ્યું હતું કે “પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજના દેશના સામાન્ય નાગરિકો, ગરીબો અને મધ્યમવર્ગને સમર્પિત છે. યોજના અંતર્ગત દેશમાં કુલ ૨૫૦૦ કરોડ લોકોને સસ્તી દવા ઉપલબ્ધ બની છે. દેશમાં જેનેરિક દવા અંગે જાગરૂકતા વધી છે, ડોક્ટર પણ હવે જેનેરિક દવા લખતા થયા છે. દેશમાં જેનેરિક દવાઓના વપરાશમાં છ ટકાનો વધારો થયો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દરેક નાગરિક માટે સસ્તી દવાનું સપનું સાકાર થયું છે. તેમના સપનાંને આગળ વધારતા આઠ પ્રકારના અલગ-અલગ પૌષ્ટિક ઔષધીય (ન્યુટ્રાસ્યુટિકલ) ઉત્પાદનો લોકો માટે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ, જે હવે જનઔષધિ કેન્દ્ર ખાતેથી ઉપલબ્ધ બનશે.”
કોરોના મહામારીમાં વાયરસ ચેપના જોખમ અને પ્રભાવને ઘટાડવા તેમજ લાંબાગાળા માટે રોગપ્રતિકારક શક્તિનું નિર્માણ કરવા માટે પર્યાપ્ત પોષણ મહત્વપૂર્ણ છે. જાહેર આરોગ્યના લાભ માટે તાજેતરમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના અંતર્ગત તમામ લોકોમાં (સ્ત્રીઓ અને બાળકો સહિત) રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલાક પૌષ્ટિક ઔષધીય (ન્યુટ્રાસ્યુટિકલ) ઉત્પાદનોની શરૂઆત કરવામાં આવી છે. આ તમામ ઉત્પાદનોના ભાવ બજારમાં મળતા અન્ય ઉત્પાદનોની સરખામણીમાં ૨૫% થી ૫૦% ઓછા છે.
આ લોન્ચિંગ કાર્યક્રમમાં રસાયણ અને ખાતર મંત્રાલય તથા BPPIના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.