ગર્ભવતી મહિલાઓ કોવિડ-19ની રસી લઇ શકે? સ્તનપાન કરાવતી માતાઓએ શું કરવું જોઇએ?
Live TV
-
ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલ પ્રશ્ન કોવિડના રસીકરણ મુદ્દે લોકો દ્વારા સામાન્યપણે પૂછવામાં આવતા કેટલાક પ્રશ્નોમાંનો છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૉલ અને અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ લોકોના મનમાં કોવિડ-19ના રસીકરણ અંગે ઉભા થતા આવા તમામ પ્રશ્નોનાં વિસ્તૃત અને સંપૂર્ણ જવાબો આપ્યા હતા. આ પ્રશ્નના સંબંધમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પોલ અને AIIMSના ડિરેક્ટર ડૉ. ગુલેરિયાએ આ પ્રમાણે જવાબ આપ્યા.
સવાલ: ગર્ભવતી મહિલાઓ કોવિડ-19ની રસી લઇ શકે?
જવાબ:
ડૉ. પૉલ: વર્તમાન માર્ગદર્શિકા અનુસાર ગર્ભવતી મહિલાઓને રસી આપવી જોઇએ નહીં. આની પાછળનું કારણ એ છે કે, રસીકરણના પરીક્ષણો પરથી પ્રાપ્ત થયેલા ડેટાના આધારે ડૉક્ટરો અને વૈજ્ઞાનિક સમુદાયે ગર્ભવતી મહિલાઓના રસીકરણ માટે ભલામણ કરવાનો નિર્ણય હજુ સુધી લીધો નથી. જોકે, ભારત સરકાર નવા વૈજ્ઞાનિક સૂચનોના આધારે થોડા દિવસોમાં જ આ બાબતે સ્પષ્ટતા કરશે. એવું જાણવા મળ્યું છે કે, કોવિડ-19ની સંખ્યાબંધ રસીઓ ગર્ભવતી મહિલાઓ માટે પણ સલામત છે. અમને આશા છે કે, આપણી બે રસીઓ માટે પણ માર્ગ મોકળો થઇ જશે. અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે, તેઓ હજુ પણ થોડી વધારે ધીરજ જાળવે, ખાસ કરીને આ રસી ખૂબ જ ટૂંકા સમયમાં તૈયાર કરવામાં આવી હોવાથી તે બાબતને ધ્યાનમાં રાખતા ધીરજ રાખવી જરૂરી છે અને ગર્ભવતી મહિલાઓને સામાન્યપણે સલામતીની ચિંતાઓને ધ્યાનમાં રાખીને અજમાયશ (ટ્રાયલ)માં સામેલ કરવામાં આવતી નથી.
ડૉ. ગુલેરિયા: સંખ્યાબંધ દેશોએ ગર્ભવતી મહિલાઓનું રસીકરણ કરવાનો પ્રારંભ કરી દીધો છે. US FDA દ્વારા ફાઇઝર અને મોડેર્નાની રસીને માન્યતા આપવામાં આવી છે. કોવેક્સિન અને કોવિશિલ્ડ સંબંધિત ડેટા પણ ટૂંક સમયમાં આવી જશે. કેટલાક ડેટા પહેલાંથી જ ઉપલબ્ધ છે અને અમને આશા છે કે, આગામી થોડા દિવસોમાં અમે જરૂરી હોય તેવા સંપૂર્ણ ડેટા મેળવી શકીશું અને ભારતમાં પણ ગર્ભવતી મહિલાઓ રસીકરણને માન્યતા આપી શકીશું.
સવાલ: શું સ્તનપાન કરાવતી માતાઓ કોવિડ-19ની રસી લઇ શકે?
જવાબ:
ડૉ. પૉલ: આ સંબંધે ખૂબ જ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે કે સ્તનપાન કરાવતી મહિલાઓ માટે આ રસી તદ્દન સલામત છે. કોઇપણ પ્રકારે ડરવાની જરૂર નથી. રસીકરણ પહેલાં અને પછી માતાઓએ સ્તનપાન કરાવવાનું બંધ કરવાની કે રોકવાની કોઇ જ જરૂર નથી.