ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં વિશ્વ પર્યાવરણની ઉજવણી
Live TV
-
અમદાવાદ
પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પુન:ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ આ વાનમાં આપીને પર્યાવરણને શુદ્ધ રાખવાનો સંદેશ આપવામાં આવશે. જોધપુર ખાતે કોર્પોરેટર પ્રવિણા પટેલ તથા સોલિડ વેસ્ટ વિભાગના કિશોર પરમારે જણાવ્યું હતું કે રિયૂઝ, રીડયૂસ અને રીસાયકલના હેતુ સાથે આ વાન શરૂ થઈ છે. ત્યારે જોધપુરની અશોક નગર સોસાયટી દ્વારા આ વાનમાં આ પ્રકારની વસ્તુઓ આપવામાં આવી હતી.
કચ્છ
કચ્છના ભુજ ખાતે વન વિભાગ તથા નોખાણીયા કુનારીયા ગામના ગ્રામજનો દ્વારા 10, 000 હેક્ટરમાં વૃક્ષોનું વાવેતર શરૂ કર્યું હતું. નાયબ ડીએફઓ હરેશ મકવાણા, ગામના સરપંચ સુરેશ ઝાંગા તેમજ પક્ષીવિદ સહિતના મહાનુભાવોએ રોપાઓના રથને રવાના કર્યો હતો. તેમજ કચ્છ વન વિભાગ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નોખાણિયા ગામના સરપંચ સુરેશ છાંગાએ જણાવ્યું હતું કે પક્ષીઓના નિવાસસ્થાન જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં રોપા વાવવામાં આવશે.
રાજકોટ
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સપુરા ખાતે ઇમ્પિરિયલ સ્કૂલ તેમજ વન વિભાગ દ્વારા 1200 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સુપાર નદીના કાંઠે મિયાવાકી પદ્ધતિ દ્વારા વૃક્ષો ઉછેરવાનો તેમજ પર્યાવરણ જાળવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી.આઇ. મોરડિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે આ જગ્યાએ 2500 રોપા વાવવામાં આવ્યા હતા. જેનો સારો ઉછેર થયો છે.
મહેસાણા
ઊંઝાના ટુંડાવ ગામના વતની અને પ્રકૃતિના મહર્ષિ તરીકે ઓળખાતા જીતુભાઇ પટેલે શારીરિક તકલીફ આવતા તેમણે લાખોની કમાણી કરતો ધંધો છોડીને પર્યાવરણના જતન માટે જીવન સમર્પિત કરી દીધું. આજે પણ તેઓ ઘરેથી સાયકલ લઇને ઓફિસ જાય છે અને છેલ્લા 5 વર્ષથી મોબાઈલ વાપરતા જ નથી. દર વર્ષે 90 હજારથી વધારે વૃક્ષો જાતે વાવે છે. તેમણે 10 વર્ષમાં 7થી 8 કરોડ વૃક્ષો વાવી ગુજરાત લીલુછમ બનાવ્યું છે. ગુજરાત સરકારે પણ તેમને ગ્રીન એમ્બેસેડર બનાવી તેમના કાર્યને બિરદાવ્યું છે.