જાણો મ્યુકોર્માયકોસિસ રોગ વિષેની વિશેષ જાણકારી
Live TV
-
જાણો મ્યુકોર્માયકોસિસ રોગ વિષયની વિશેષ જાણકારી
કોવિડ-19નો સામનો કરવા માટે અને તેનાથી આપણી જાતને બચાવવા માટે આપણે પોતાની રીતે શ્રેષ્ઠ પ્રયાસો કરતા હોવા છતાં ફુગના કારણે ચેપ લાગતી અન્ય એક સમસ્યાનું જોખમ આપણી સામે આવીને ઉભું છે. આના વિશે આપણે અવશ્ય જાણવું જરૂરી છે અને તદઅનુસાર પગલાં લેવા જરૂરી છે. મ્યુકોર્માયકોસિસ એક પ્રકારની ફુગથી થતો ચેપ છે જે કોવિડ-19ના કેટલાક દર્દીઓમાં સાજા થયા પછી અથવા તે દરમિયાન જોવા મળે છે. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ આપેલા નિવેદન અનુસાર બે દિવસ પહેલાં, રાજ્યમાં ફુગના કારણે ફેલાતા આ ચેપથી 2000 કરતાં વધારે દર્દીઓ પહેલાંથી જ અસરગ્રસ્ત થયા હોવાનું નોંધાયું છે; 10 દર્દીઓ આના કારણે મૃત્યુ પામ્યા છે. કેટલાક દર્દીઓએ આના કારણે આંખો ગુમાવી છે.
શાના કારણે મ્યુકોર્માયકોસિસ થાય છે?
મ્યુકોર્માયકોસિસ અથવા બ્લેક ફંગસ એ ફુગના ચેપથી થતી એક બીમારી છે. જે દર્દીઓ પોતાની આસપાસના માહોલમાં ફુગના બીજકણોના સંસર્ગમાં આવે તેમને મ્યુકોર્માયકોસિસ થઇ શકે છે. કોઇપણ ઘા, છોલાયેલી જગ્યા, દાઝેલી જગ્યા અથવા ત્વચામાં કોઇપણ પ્રકારના અન્ય કાપામાંથી ફુગ ત્વચાની અંદર પ્રવેશ કરે તે પછી આ સમસ્યા ત્વચામાં વધે છે. આ બીમારી મુખ્યત્વે એવા લોકોમાં જોવા મળે છે જેઓ કોવિડ-19માંથી સાજા થઇ રહ્યાં હોય અથવા સાજા થઇ ગયા હોય. વધુમાં, ડાયાબિટીસની તકલીફ ધરાવતી કોઇપણ વ્યક્તિ અને જેમનું રોગ પ્રતિકારકતંત્ર સારી રીતે કામ ના કરતું હોય તેમને આની સામે રક્ષણ મેળવવું જરૂરી છે.ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઇઝરી અનુસાર, કોવિડ-19ના દર્દીઓમાં નીચે ઉલ્લેખ કરેલી સ્થિતિમાં મ્યુકોર્માયકોસિસનો ચેપ લાગવાનું જોખમ રહે છે:
1. અનિયંત્રિત ડાયાબિટીસ
2. સ્ટીરોઇડ્સના ઉપયોગના કારણે નબળું પડી ગયેલું રોગ પ્રતિકારકતંત્ર
3. લાંબા સમય સુધી ICU/હોસ્પિટલમાં રોકાણ
4. સહ-બીમારી/ અંગ પ્રત્યારોપણ પછી/ કેન્સર
5. વોરીકોનાઝોલ ઉપચાર (ફુગના ગંભીર ચેપમાં ઉપયોગમાં લેવામાં આવે)આના સામાન્ય લક્ષણો કયા છે?
મ્યુકોર્માયકોસિસ આપણા કપાળની પાછળના ભાગે, નાક, ગલોફા અને આંખોની વચ્ચે તેમજ દાંતમાં આવેલા વાયુકોષોમાં ત્વચાના ચેપ તરીકે ફેલાવાનું શરૂ થાય છે. ત્યારબાદ તે, આંખો, ફેફસા સુધી પ્રસરે છે અને મગજ સુધી પણ ફેલાઇ શકે છે. તેના કારણે નાક પર કાળા ડાઘા થવા અથવા રંગ ફિક્કો પડી જવો, આંખોમાં ઝાંખપ અથવા ડબલ દેખાવું, છાતીમાં પીડા, શ્વાસ લેવામાં મુશ્કેલી અને ઉધરસમાં લોહી આવવું વગેરે લક્ષણો જોવા મળે છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા સલાહ આપવામાં આવી છે કે, નાક બંધ થઇ જવાના તમામ કેસને બેક્ટેરિયલ સાઇનસ તરીકે ના ગણવા જોઇએ જેમાં ખાસ કરીને કોવિડ-19ના દર્દીઓની સારવાર દરમિયાન/ તે પછીના સમયમાં આ ધ્યાન રાખવું જરૂરી છે. કોઇપણ વ્યક્તિએ તેમને ફુગનો ચેપ લાગ્યો છે કે નહીં તે પુષ્ટિ કરવા માટે અવશ્યપણે તબીબી મદદ લેવી જોઇએ.