‘તાઉતે’ વાવાઝોડાને પગલે આજે અને કાલે રાજ્યમાં કોરોના રસીકરણ સ્થગિત
Live TV
-
અનિવાર્યતા વિના ઘરની બહાર ન નીકળવા નાગરિકોને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનુરોધ કર્યો
તાઉતે વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. 17 અને 18 મે, 2021 એટલે કે સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના રસીકરણની કામગીરી સ્થગિત રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાવાઝોડાની સંભાવનાને પગલે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરતાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગના તમામ આરોગ્યકર્મીઓ વાવાઝોડાથી ઉભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે. એટલે આ બે દિવસ દરમિયાન તમામ જૂથમાં રસીકરણની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને આ બે દિવસો દરમ્યાન પોતાના ઘરથી બહાર ન નીકળવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં વાવાઝોડા સાથે અતિવૃષ્ટિની પણ સંભાવના છે, જેથી આવી પરિસ્થિતિમાં તમામ લોકોની સલામતી ખૂબ જરૂરી છે. નાગરિકો પોતપોતાના ઘરમાં રહે, માત્રને માત્ર ફરજ પર હોય એવા લોકો જ ઘરની બહાર નીકળે. બાકીના લોકો ઘરમાં જ રહી અને પોતાની સલામતી જાળવે એ જરૂરી છે.