દાહોદઃ પ્રધાનમંત્રીના જન્મદિવસે 99 હજાર લોકોને કોરોનાની વેક્સિન અપાશે
Live TV
-
દાહોદ જિલ્લામાં આવતીકાલે તા. ૧૭ સપ્ટેમ્બરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે મહા રસીકરણ અભિયાન અંતર્ગત ૯૯ હજાર લોકોને વેક્સિન આપવામાં આવશે. કલેક્ટર ડૉ. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં એક સયુક્ત નિવેદનમાં આ માહિતી પત્રકારોને આપી હતી.
જિલ્લામાં કોરોનાની રસીકરણની કામગીરી ગત તા. 16 જાન્યુઆરીથી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં વેક્સિનની લાયકાત ધરાવતા 15,37,737 લોકોમાંથી 13,29,202 લોકોને વેક્સિનના પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જયારે 4,24,293 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જિલ્લામાં વેક્સિનની લાયકાત ધરાવતા અને વેક્સિન લેવાની બાકી હોય તેવા હજુ 2,08,535 લોકોને વેક્સિન આપવા માટેનું પણ યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આવતી કાલે તા. 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે મહારસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લાના 99 હજાર લોકોને વેક્સિન આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. પત્રકાર પરિષદમાં કલેક્ટર ડૉ. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાના તમામ નાગરિકો જેમને વેક્સિનનો પ્રથમ કે બીજો ડોઝ લેવાનો બાકી છે તેઓ આવતી કાલે અવશ્ય નજીકના વેક્સિનેશન સેન્ટર પરથી વેક્સિન લે એ માટે અપીલ કરી હતી.
પત્રકાર પરિષદમાં નાયબ કલેકટર રાજેન્દ્ર ગામેતી, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંદ્વકાંત પટેલ, ડૉ. રાકેશ વહોરિયા તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા.