નર્મદા જિલ્લામાં બાંધકામ શ્રમિકો માટે 'ધન્વંતરિ આરોગ્ય રથ યોજના' બની આશીર્વાદરૂપ
Live TV
-
નર્મદા જિલ્લામાં બાંધકામ શ્રમિકો માટે 'ધન્વંતરિ આરોગ્ય રથ યોજના' બની આશીર્વાદરૂપ
નર્મદા જિલ્લામાં બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે ગુજરાત સરકારની "ધન્વંતરિ આરોગ્ય રથ યોજના" અત્યંત આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કાર્યરત આ યોજના થકી શ્રમિકોને તેમના કાર્યસ્થળ અને વસાહતો પર જ ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહી છે.
યોજનાની મુખ્ય વિશેષતાઓ અને લાભો:
આ યોજના હેઠળ શ્રમિકોને તેમના કાર્યસ્થળ, કડિયાનાકા અને વસાહતો પર જ ડૉક્ટર અને દવાઓની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હાલમાં નર્મદા જિલ્લામાં કુલ 4 ધન્વંતરિ આરોગ્ય રથ સફળતાપૂર્વક કાર્યરત છે. દરેક રથમાં મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ અને લેબ ટેક્નિશિયનની ટીમ ઉપસ્થિત રહે છે.
આ ટીમ દ્વારા તાવ, શરદી, ચામડીના રોગોની સારવારની સાથે-સાથે હિમોગ્લોબિન (HB) અને બ્લડ સુગર જેવી મહત્ત્વપૂર્ણ તપાસ કરીને દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવે છે. જો શ્રમિકને વધુ સારવારની જરૂર જણાય, તો તેમને નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં જવાની યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે છે.
સમયસર અને ઘરઆંગણે જ સ્વાસ્થ્ય સેવાઓ મળવાથી શ્રમિકોના સ્વાસ્થ્યનું રક્ષણ થવાની સાથે તેમની આજીવિકા પણ સુરક્ષિત બની રહી છે.
